
એક તરફ ગુજરાતભરની પોલીસે અસામાજીક તત્વો સામે કવાયત હાથ ધરી છે તો બીજી તરફ આવા લુખ્ખા તત્વોનો આતંક હજુપણ યથાવતરુપે જોવા મળી રહ્યો છે. એવામાં મહેસાણામાંથી મારામારીની ઘટના સામે આવી રહી છે જેમાં કડીમાં બિલ્ડર પર હુમલો કરવાની ઘટના સામે આવી છે.
કડીમાં વેકરા ગામ નજીક અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે, જમીન બીજાના નામે કરી દેવાના સામે કોર્ટ કેસ ચાલતો હતો. કોર્ટ કમિશનના સુપ્રિટેન્ડેન્ટ સાથે ફરિયાદી પંચનામુ કરવા પહોંચ્યા હતા ત્યાં પંચનામુ કરવા જતા 15 શખ્સોએ હુમલો કર્યો હતો. લાકડી, ધારીયાથી માર મારીને ગંભીર ઇજા પહોંચાડી હતી.
ફરિયાદી પટેલ મનન અશ્વિનભાઈ પર હુમલો કરીને રોલેક્સ ઘડિયાળ, પ્લેટેનિયમ ગોલ્ડ ચેન, રિયલ ડાયમંડ બ્રેસ્લેટ તોડીને લઈ ગયા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. મનન પટેલે વેકરા ગામે વરખડીયાની સીમમાં 2021-22માં જમીન વેચાણ પર લીધી હતી. આરોપી મેહુલ રબારીએ જમીન પોતાના નામે કરી લીધી હતી. જેને લઈ કડી કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે અદાવત રાખી ફરિયાદી પર હુમલો કરવામાં આવ્યો હતો. કુલ 15 વ્યક્તિઓના નામજોગ સાથે ફરિયાદ નોંધાવાઈ છે.