
Mehsana news: મહેસાણા-અમદાવાદ હાઈવે પર આવેલા અને જાણીતા શંકુઝ વૉટર પાર્ક નજીક ફૂડ કોર્ટમાં એક પરિવાર નાસ્તો કરવા ગયો ત્યારે તેની કાર પાર્કિંગમાં હતી. ત્યારે કોઈ શખ્સ કારના કાચ તોડીને અંદર 20 તોલા દાગીના ભરેલી બેગની ચોરી કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ દાગીનાની કિંમત 16.60 લાખ રૂપિયા જેવી થવા જાય છે. આ બનાવ અમદાવાદમાં ખાનગી બેંકમાં મૅનેજર તરીકે નોકરી કરતા પરિવાર સાથે બન્યો હતો. જેથી પરિવારે સમગ્ર ઘટના અંગે લાંઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લગ્નસરા ચાલી રહી છે, ત્યારે અમદાવાદમાં એક ખાનગી બેંકમાં મૅનેજર તરીકે નોકરી કરતા અને મૂળ રાજસ્થાનના વતની ત્રિકમભાઈ કરોડીલાલ પોતાના પરિવાર સાથે પોતાની ભાણીના લગ્નમાં અમદાવાદથી અજમેર જઈ રહ્યા હતા. આ દરમ્યાન અમદાવાદ-મહેસાણા હાઇવે પર આવેલ શંકુઝ વૉટરપાર્કની આગળ રહેલ બર્ગર કિંગમાં નાસ્તો કરવા માટે રોકાયા હતા. જે દરમ્યાન પોતાની કાર ટ્રાફિકજામ હોવાના લીધે સર્વિસ રોડથી થોડીક દૂર પાર્ક કરી હતી. આ દરમ્યાન તેઓ પોતાના પરિવાર સાથે બર્ગર કિંગમાં નાસ્તો કરવા અંદર ગયા હતા. જેવા તેઓ અંદર ગયા ત્યારે અજાણ્યા શખ્સે કારનો દરવાજો તોડીને તેમાં રહેલા ત્રણ બેગોની ઉઠાંતરી કરીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ બેગમાં 16.60 લાખની કિંમતના 20 તોલા દાગીના ભરેલી બેગની ઉઠાંતરી થતા તેઓ બેબાકળા થયા અને આ દરમ્યાન તેઓએ સમગ્ર ઘટના અંગે લાંઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.