
Deesa Blast: બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ગેરકાયદે ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ બાદ જે રીતે 21 લોકોનાં મોત થયા છે. તેને જોતા મહેસાણા જિલ્લા અને અરવલ્લી જિલ્લામાં તંત્રએ ફટાકડાના ગોડાઉન, દુકાનો અને ગેરકાયદે ધમધમતી ફેકટરીઓ પર તવાઈ બોલાવી હતી. આ પ્રકરણમાં કડીના જય રણછોડ એસ્ટેટમાંથી આજે વધુ એક ફટાકડાનું ગોડાઉન ઝડપાયું છે. ભગવાન ધનવાણી નામના વેપારીનું ગોડાઉન હતું. જેમાં કોઈપણ પ્રકારના પરવાનો કે લાયસન્સ નહોતા લીધા હોવાનું સામે આવ્યું છે. જ્યારે મોડાસામાં ત્રણ ફટાકડાના વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી.
ડીસાની ઘટના બાદ અરવલ્લી પોલીસની પણ કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં અરવલ્લી એસઓજી પોલીસ દ્વારા ફટાકડાના વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી. મોડાસાના ત્રણ વેપારીઓ સામે એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરાયો હતો. તારાચંદ શાહ,કેયુર શાહ અને વિવેક શાહ સામે ફરિયાદ નોંધી હતી. લાયસન્સની ક્ષમતા કરતાં વધુ ફટાકડા રાખવા મામલે કાર્યવાહી કરાઈ હતી. વિસ્ફોટક ફટાકડા રાખવાની જગ્યાએ વીજવાયર ખુલ્લા મળી આવ્યા હતા. તો વળી કડીના જય રણછોડ એસ્ટેટમાં કોઈપણ પ્રકારના પરવાના અને લાયસન્સ વિનાનું ગોડાઉન ધમધમતું હતું. જેમાં ગોડાઉનમાં ફાયર સેફટી પણ નહોતી જેથી કડી પોલીસે કરેલી રેડ પાડીને ફટાકડાંનું ગોડાઉન સીલ માર્યું હતું.