
Mehsana news: મહેસાણા જિલ્લામાં આવેલા તેમજ પીએમ મોદીના વતન એવા વડનગરમાં સમાધિવાલે બાબાના નામે જાણીતું માનવ કંકાલ મળી આવ્યું હતું. જે સમાધિ બાદ 1200 વર્ષથી પછી આશ્રયસ્થાન મળ્યું છે. વર્ષ-2019માં ઉત્ખનન દરમિયાન આ માનવકંકાલ મળી આવ્યું હતું. ગુરુવારે સવારે પુરાતન વિભાગના અધિકારીઓએ સરકારી વસાહતમાંથી ક્રેન મારફતે મ્યુઝિયમ લાવવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.
મળતી વિગતો અનુસાર, વડનગરમાં ઉત્ખનના બાદ મળી આવેલા અને સૌના કુતૂહલના વિષય બનેલા એવા આ માનવ કંકાલની દેખરેખ પ્રથમ સ્થાનિકો રાખતા હતા અને આવનાર સમયમાં વરસાદી માહોલમાં આ કંકાલ ખરાબ ન થઈ જાય તે માટે લોકોએ પ્રથમ નારિયેળ ચઢાવી બાબાની પૂજા કર્યા બાદ તેને સાચવીને ક્રેન મારફતે મ્યુઝિયમમાં મૂકવામાં આવ્યું છે.
એક્સપિરીએન્શિયલ મ્યુઝિયમના ક્યુરેટર ડૉ.મહેન્દ્રસિંહ સુરેલાએ જણાવ્યું હતુ કે, વર્ષોથી લોકોની માગણી હતી બાબાજીને યોગ્ય સ્થાન મળે. અને બાબાને મ્યુઝિયમમાં સ્થાન મળ્યું છે. આવનારા સમયમાં ઉચ્ચકક્ષાએથી સૂચના મળશે તે પ્રમાણે એકસપર્ટની દેખરેખ હેઠળ ગેલેરીની અંદર સ્થળાંતર કરાશે. છેલ્લા પાંચ વર્ષથી આ કંકાલ ખુલ્લામાં રાખવામાં આવતું હતું. હવે તેને યોગ્ય સ્થાન મળશે જ્યારે આ કંકાલ પર સંશોધન ચાલુ છે જ્યારે આવનાર સમયમાં આ બાબાના કંકાલ થકી અનેક તથ્યો બહાર આવશે.