
Mehsana news: એપ્રિલ મહિનો શરૂ થયો ત્યારથી જ આકાશમાંથી ગરમી અગનગોળાની જેમ વરસી રહી છે. જેના લીધે પશુ-પંખીઓ અને જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. આ ગરમીને લીધે રાજ્યમાં આગના બનાવો પણ સતત વધ્યા છે. મહેસાણાના નંદાસણથી કલોલ હા-ઈવે પર મંડાલી પાસે ભંગારના ગોડાઉનમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. નંદાસણ નજીક હાઈવે પર આવેલા પેટ્રોલ પંપની બાજુમાં મોટા ભંગારના ગોડાઉનમાં વેસ્ટમાં આગ લાગી હતી. જેના લીધે ધૂમાડાના ગોટેગોટા દૂરથી જોઈ શકાતા હતા. આગની ઘટનાને પગલે આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા.
મહેસાણા જિલ્લાના નંદાસણ-કલોલ હાઈવે પર પેટ્રોલ પંપ નજીક આજે બપોરના સુમારે અચાનક જ ભંગારના વેસ્ટમાં આગ ફાટી નીકળી હતી. પેટ્રોલ પંપની બાજુમાં વેસ્ટ પડેલા ગ્રાઉન્ડમાં આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. ભારે જહેમત બાદ વેસ્ટમાં લાગેલી આગને કાબૂમાં લેવામાં આવી હતી. જો કે, આ આગ શા માટે લાગી તેનું કારણ અકબંધ રહ્યું હતું.