
ગુજરાતમાં કડી અને વિસાવદરમાં પેટાચૂંટણી યોજાઈ હતી. જેના આજે પરિણામો આવ્યા છે. વિસાવદરમાં આમઆદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા જીત ભણી છે જ્યારે કડીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો જંગી બહુમતિથી વિજય થયો છે. કડીમાં ભાજપની ભવ્ય જીત બાદ પૂર્વ ડે. સીએમ અને કડીના વતની એવા નીતિન પટેલે પણ પોતાનો હર્ષોલ્લાસ જણાવ્યો હતો.
નીતિન પટેલે કહ્યું કે, ચૂંટણીઓ વિધાનસભાની હોય કે પછી લોકસભાની હોય, તાલુકા કે નગરપાલિકા હોય બધી ચૂંટણીમાં શહેર-તાલુકાની જનતા બધા કાર્યકરો મતદારો ભાજપને સમર્થન આપે છે અને આ વખતે પણ અમારી કડીની પેટા ચૂંટણી હતી. તે પેટા ચૂંટણીમાં અમારા ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાને અત્યારે મને છેલ્લી માહિતી મળી એ પ્રમાણે 38 હજાર મત કરતા વધુની લીડ મળી છે. કોંગ્રેસને હંમેશા હરાવતા આવ્યા છીએ. આ વખતે પણ કડીની જનતાએ કોંગ્રેસને પરાજય આપ્યો છે.
નીતિન પટેલે કહ્યું કે, કડીની સીટ પર ખાસ કરીને કોંગ્રેસવાળા અફવા ફેલાવતા હતા કે આ વખતે ભાજપ તરફી મતદાન ઓછું થયું છે. પરંતુ પ્રજા અમારી સાથે છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલથી માંડી અનેક નેતાઓ કડીમાં પ્રચાર માટે આવ્યા હતા અને કડીની જનતાને જુદી જુદી રીતે ગેરમાર્ગે દોરવા ગામડા- શહેરમાં નાની મોટી સભા કરી હતી.
અમારા ઉમેદવાર રાજેન્દ્રભાઇ માટે કેટલાક લોકો એમ કહેતા કે, જોટાણાના છે બહારના છે. અમારા કાર્યકર ગામડા કે શહેરના હોય અમારા પ્રભારી મંત્રી અને જેમને અહીં ચાર્જ સોપવામાં આવ્યો હતો કડીના ઇન્ચાર્જ ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્વકર્મા, જિલ્લાના તમામ હોદ્દેદારો અને ધારાસભ્ય, સંસદસભ્ય હરીભાઇ પટેલ મયંક નાયક બધાએ તનતોડ મહેનત કરી છે.જિલ્લા પ્રમુખ ગિરિશ રાજગોરના નેતૃત્વ હેઠળ સેંકડો કાર્યકરોએ કામ કર્યું છે. વિનોદ પટેલ મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેન્કના ચેરમેન છે તેમણે લોકસંપર્ક જાળવી રાખ્યો છે.
મારા વખતથી અને અત્યાર સુધી કડીની જનતા ભાજપના કામોથી પ્રેરાઇ છે. કડીની જનતાએ અપપ્રચાર છતાં ભાજપનો વિજય કરાવ્યો છે. મને આનંદ છે કે કડીનું જાલોદા ગામ ઠાકોર સમાજનું ગામ છે, ગઇકાલે જ કોંગ્રેસે જેમને મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમુખ બનાવ્યા છે તેવા પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરનું વતન છે. જાલોડાના આગેવાન કહે છે કે અમારા ઠાકોર સમાજના કાર્યકરોએ વડીલોએ જાલોડામાં કોંગ્રેસ કરતા ભાજપને વધારે મત આપ્યા છે.
દરેક વિસ્તારની પ્રજાની લાગણી જુદા જુદા પ્રકારે પ્રદર્શિત થતી હોય છે. કડી ભાજપનો ગઢ છે અને વર્ષોથી હું ત્યા ચુંટાતો હતો. અનામત સીટ થઇ એટલે મહેસાણામાં ધારાસભ્ય બન્યો, નાયબ મુખ્યમંત્રી બન્યો. કડીની જનતાના તમામ કામો, વ્યક્તિગત કે સામાજિક વિકાસના કામો હોય પૂરા થયા છે. મુખ્યમંત્રીના સહયોગથી વડાપ્રધાને પ્રજાલક્ષી યોજનાઓ જે આપી છે. આ બધું લોકોને પસંદ આવ્યું છે. કોંગ્રેસવાળા જઈને જ્ઞાતિ-જાતિના મતભેદો ઉભા કરી તેમના મત માંગવા આવે છે. અમને દલિત-લઘુમતી સમાજમાં પણ ઘણા મત મળ્યા છે.