
છેલ્લા ઘણા સમયથી ડિજિટલ અરેસ્ટના દૂષણે માઝા મૂકી છે. ત્યારે હવે મહેસાણામાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં બહુચરાજીમાં ડિજિટલ અરેસ્ટ કરી રૂ.20 લાખ પડાવ્યા હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ફરિયાદી મોહનકુમાર મુદલીયાર મહેસાણામાં બહુચરાજીમાં સ્થિત મારુતિ સુઝુકી કંપનીમાં પ્રોડક્શન મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગત 8 ઓક્ટોબરે અજાણ્યા નંબરથી ફોન કોલ આવ્યો હતો. કોલમાં ફરિયાદીને ડરાવી ધમકાવી ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યો હતો.
મુંબઈ ફેડેક્ષ કુરિયર કંપનીમાંથી જેમ્સ પ્રિન્સ નામે કોલ આવ્યો હતો. કસ્ટમ ઓફિસમાં તમારા નામનું કુરિયર પકડાયેલ છે. કુરિયરમાં પાસપોર્ટ, 3 હાર્ડડિસ્ક, 5.5kg દવાઓ, 450gm MD ડ્રગ્સ મળ્યું છે તેમ કહેવામાં આવ્યું હતું. એટલું જ નહીં ઇન્ટ્રોગેશન કરવાનું કહી વીડિયો કોલમાં icici બેંકમાંથી ઓનલાઈન 20 લાખની લોન લેવડાવી હતી. તેમજ ફરિયાદીના આધાર કાર્ડથી અલગ-અલગ રાજ્યોમાં એકાઉન્ટ ઓપન થયાનું પણ જાણવા મળ્યું છે.