
રાજ્યમાં નકલીની બોલબાલા વચ્ચે હવે નકલી એન્જીન ઓઇલ પેકીંગ અને સીલિંગની ફેક્ટરી ઝડપાઈ છે. સ્ટેટ મોનીટરીંગ સેલે મોરબીના ટંકારામાંથી નકલી એન્જીન ઓઇલ પેકીંગ અને સેલિંગ કરતી ફેકટરી ઝડપી પાડી છે.
મોરબીના ટંકારામાં સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ કરીને 21488 લિટર ડુપ્લીકેટ ઓઇલના જથ્થા સાથે બે લોકોની અટકાયત કરી છે. SMCએ ત્રણ પ્રિન્ટિંગ મશીન, મોટર, બેલ્ટ મશીન અને બોટલ સીલિંગ મશીનને જપ્ત કર્યા છે. લજાઈ ગામ પાસેની મારુતિ ઇન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાં સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ કરી હતી. મેહુલ ઠક્કર અને અરૂણ કુંડારીયા નામના બે શખ્સોની અટકાયત કરવામાં આવી છે. એલસીબી અને ટંકારા પોલીસના નાક નીચે ચાલતા ગોરખધંધોનો પર્દાફાશ થયો છે.
ટંકારા તાલુકાના લજાઈ અને હડમતીયા ગામની સીમમાં દરોડો પાડી ભારત પેટ્રોલિયમ, ઇન્ડિયન ઓઇલ, સર્વો અને હીરો કંપનીના બ્રાન્ડ નેમનો ઉપયોગ કરી નકલી એન્જીન ઓઇલ પેકીંગ ફેક્ટરી ઝડપી લઈ રૂપિયા 17 લાખની કિંમતનું 21,488 લીટર ઓઇલ સહિતના મુદામાલ સાથે બે આરોપીઓને પકડી પાડયા ટંકારા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલે રોકડા સહિત કુલ રૂપિયા 23,17,040નો મુદામાલ કબ્જે કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.