તાજેતરમાં જ કડી અને વિસાવદરની પેટા ચૂંટણી પુરી થઇ છે તેમ છતાં હાલ ગુજરાતમાં ચેલેન્જનું રાજકારણ ચાલી રહ્યું છે. મોરબીના ભાજપના ધારાસભ્યએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ખુલ્લો પડકાર ફેંકતાં કહ્યું કે 'જો ઇટાલિયામાં હિંમત હોય તો મોરબી આવીને ચૂંટણી લડે! જો હું હારી જઇશ તો 2 કરોડ રૂપિયા આપીશ.' તો બીજી તરફ ગોપાલ ઇટાલિયાએ પણ ચેલેન્જ સ્વીકરતાં કહ્યું છે કે "હું તમારી ચેલેન્જ સહર્ષ સ્વીકારું છું, પણ મારી એક શરત છે! 12 તારીખે બપોર પહેલાં તમે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દો!" ધારાસભ્યોના ચેલેન્જના રાજકારણથી ફરીથી રાજકીય માહોલ ગરમાયો છે.
કાંતિ અમૃતિયાએ શું કહ્યું?
મોરબી ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ખુલ્લો પડકાર ફેંકતાં કહ્યું હતું કે જો ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો મોરબી આવીને ચૂંટણી લડે! જો હું હારી જઇશ તો 2 કરોડ રૂપિયા આપીશ.'
ઇટાલિયાએ વીડિયો બનાવી અમૃતિયાને આપ્યો જવાબ
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કાંતિ અમૃતિયાના પડકારનો હસતાં મોઢે સ્વિકાર કરતાં એક વીડિયો બનાવ્યો હતો. તેમાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે, મેં ગઇકાલે મોરબીના ધારાસભ્યનો વીડિયો જોયો તેમાં મોરબી ભાજપના ધારાસભ્ય કહે છે કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો મારી સામે ચૂંટણી લડવા આવી જાય. હું રાજીનામું આપી દઇશ અને 2 કરોડ રૂપિયા ઇનામ રૂપે આપીશ. તો મોરબીના ધારસભ્યએ આપેલી આ ચેલેન્જને સહર્ષ રાજીખુશીથી આ સ્વીકારી લઇએ છીએ. શૂર બોલ્યા ન ફરે... જો તમે શૂરા હોવ, મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હોવ, જબાનના પાક્કા માણસ હોવ... તો આજે 10 તારીખ થઇ છે, મોડામાં મોડું 12 તારીખે 12 વાગ્યા સુધી તમારું રાજીનામું પડી જવું જોઇએ. ગોપાલ ઇટાલિયા વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે.
'પાટીલ અંકલને પૂછ્યા વિના રાજીનામું આપી દો'
વધુમાં ગોપાલ ઈટાલિયાએ જણાવ્પયું કે, પણ મારી એક શરત છે મોરબીના ધારાસભ્ય પાટીલને પૂછવા જતા નહીં. પાટીલ અંકલ મારાથી ભૂલથી બોલાઇ ગયું છે, હવે હું રાજીનામું આપુ કે ન આપુ. અંકલ પ્લીઝ મને માફ કરો, એવી બધી વાતો કરવાની નઇ. પાટીલને પૂછ્યા વગર જ તમારા પોતાનામાં હિંમત હોય, તાકાત હોય અને તમારામાં એવું ડેરિંગ હોય તો સી.આર. પાટીલની પરમિશન લીધા વગર મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં તમે ગોપાલભાઇ ઇટાલિયા તમારી ચેલેન્જ સ્વીકારે છે.
ગોપાલ ઇટાલિયાએ વીડિયોમાં વધુ વાત કરતાં જણાવ્યું હતું કે, મોરબીની જનતા જાગૃત થઇ એટલે મોરબીના ધારાસભ્યના પેટમાં ગરમ તેલ રેડાયું છે. અત્યાર સુધી મોરબી જનતા અન્યાય, અત્યાચાર, શોષણ અને તાનાશાહી સહન કરી લેતી હતી, તો કોઇને તકલીફ ન હતી. પરંતુ જેવું જનતાએ બોલવાનું ચાલુ કર્યું અને રસ્તા,પાણી અને ખાડાના મુદ્દે અવાજ સહિતના મુદ્દાઓને લઇને આમ જનતાએ અવાજ ઉઠાવવાનું ચાલુ કર્યું તો મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાયું. 30-30 વર્ષ સુધી આ જ જનતાએ તમને મત આપ્યા અને સળંગ 30 વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા તો તમને મજા આવી અને ગલગલિયા થયા, ખુશ થયા, આનંદ આવ્યો પણ હવે એ જ જનતા પાણી, રોડ, રસ્તા મુદ્દે સવાલ કરે તો તમને ગમતું નથી.
સોમવારે વિધાનસભા અધ્યક્ષ સામે બંને રાજીનામુમ ધરીએ : કાંતિલાલ અમૃતિયા
કાંતિલાલ અમૃતિયાએ ગોપાલ ઇટાલીયાની ચેલેન્જને સ્વીકારી છે. તેમણે જણાવ્યું કે, સોમવારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સમક્ષ બંને રાજીનામું ધરી દઈએ. ગોપાલ અને હું મોરબીમાંથી ચૂંટણી લડીએ ગોપાલના કાર્યકર્તા અને અમારા કાર્યકર્તા વિસાવદરમાં ચૂંટણી લડીએ. મોરબીમાં જો ગોપાલ જીતી જશે તો બે કરોડ રૂપિયા હું આપીશ. જો હવે ગોપાલ ફરે તો એના બાપમાં ફેર હોય અને હું ફરું તો મારા બાપમાં ફેર હોય.