
મોરબી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ક્રાઈમ રેટમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ગત રોજ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મોડી રાત્રીએ નજીવા મુદ્દે છરીના ઘા ઝીંકી ત્રણ શખ્સોએ એક વૃદ્ધની કરપીણ હત્યા કરી હતી. આ હત્યાને પગલે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
મોરબીના સામાકાંઠે આવેલા ભગવતી ચેમ્બરમાં મોડીરાત્રે જેઠીગીરી ગોસાઈ પર ત્રણ શખ્સો છરીના ઘા ઝીંકી તૂટી પડયા હતા. વૃદ્ધની હત્યા બાદ પોલીસે વૃદ્ધની લાશનું પોસ્ટમોર્ટમ કરાવવા મૃતદેહને સિવિલ ખસેડયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામાન્ય મુદ્દે આ હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો.
મૃતક વૃદ્ધની હત્યાને લઈ મોરબી સિટી બી ડિવીઝન પોલીસ મથકે ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. મૃતક વૃદ્ધના દીકરાએ ત્રણ શખ્સો સામે ઓફિસની ગેલેરીમાં સૂવાની ના પાડતા ત્રણ આરોપીઓએ છરી મારી હત્યા કરી ફરાર થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.