
ભારતીય હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીર, બિહાર અને પશ્ચિમ બંગાળ સહિત કુલ 18 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જાહેર કરી છે. દેશના ઉત્તર ભાગમાં હજી ઉનાળો શરૂ જ થયો છે ત્યારે અત્યારથી જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ આગામી દિવસોમાં આનાથી રાહત મળવાના એંધાણ જોવા મળી રહ્યા છે.
હવામાન વિભાગે દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદની શકયતા દર્શાવી છે. આ તમામ માટે ભારતીય હવામાન વિભાગે ઈરાક અને બાંગ્લાદેશથી આવતા ચક્રવાતને કારણ જવાબદાર ઠેરવ્યું છે.
13 માર્ચ ગુરુવારે ભારતીય હવામાન વિભાગે જાહેર કરેલું એલર્ટ આગામી 15 માર્ચ સુધી અસર કરશે તેવી આશા છે. અગાઉ ચક્રવાત ઈરાકથી ઉત્તર ભારત તરફ વધી રહ્યું છે. જેમાં દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વધતા તાપમાનથી રાહત મળવાની શકયતા છે.બીજી બાજું બાંગ્લાદેશથી બીજું ચક્રવાત આવી રહ્યું છે, જેનાથી પૂર્વ તેમજ પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ ખાબકવાની શક્યતા સેવાઈ રહી છે. આ ચક્રવાત વાવાઝોડાને લીઝે ઉત્તર, પૂર્વ અને પૂર્વોત્તર ભારતમાં હવામાન વિભાગની પેટર્નમાં ઘણો ફેરફાર થવાની શક્યતા છે.
દેશના સ્વર્ગ એવા જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 15 માર્ચ સુધી ભારે હિમવર્ષા, વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે.
આ સિવાય પંજાબ અને હરિયાણામાં 12 અને 13 માર્ચે ગાજવીજ અને વીજળી સાથે વરસાદ પડી શકે છે, જ્યારે રાજસ્થાનમાં 13 થી 15 માર્ચ દરમિયાન આવી જ સ્થિતિ જોવા મળી શકે છે. બિહાર અને પશ્ચિમ બંગાળ સહિતના પૂર્વીય રાજ્યો તેમજ અરુણાચલ પ્રદેશ જેવા પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે. અરુણાચલ પ્રદેશમાં પણ ભારે હિમવર્ષા થઈ શકે છે.
લોકોને સાવધાન રહેવા અપીલ કરાઈ
દક્ષિણ ભારતના તમિલનાડુ, કેરળ જેવા રાજ્યોમાં ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે. જો પરિસ્થિતિ વધુ ખરાબ થશે તો શાળાઓ અને કૉલેજો બંધ કરવી પડે તેવી નોબત આવી શકે છે. સરકારી અધિકારીઓને લોકોને પૂર, વીજળી ગુલ થવા અને માળખાગત સુવિધાઓને નુકસાન માટે તૈયાર રહેવાની સલાહ આપવામાં આવે છે, ખાસ કરીને ભારે વરસાદની શક્યતા ધરાવતા વિસ્તારોમાં. પૂર્વ કિનારાના માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે.