
રાજ્ય સહિત દેશભરમાં આવતીકાલે હોળી-ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવશે. તહેવારોમાં અકસ્માત સહિતની ઘટનાઓને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ચોવીસ કલાક 108 ઈમરજન્સી સેવા સજ્જ રહેશે. જેમાં 838 એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે.
રાજ્યમાં 838 એમ્બ્યુલન્સ દોડાવાશે
આવતીકાલથી 13 માર્ચ અને 14 માર્ચના રોજ હોળી-ધૂળેટીનો તહેવાર છે, ત્યારે ગત વર્ષમાં હોળી-ધૂળેટીના પર્વમાં થયેલા માર્ગ અકસ્માત સહિતના બનાવને ધ્યાનમાં રાખીને રાજ્યમાં 838 એમ્બ્યુલન્સ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, ગત વર્ષના ડેટાના આધારે આ વર્ષે હોળી-ધૂળેટીમાં ઈમરજન્સી કેસોમાં વધારો થવાની શક્યતા ઇમરજન્સી ટેલિફોન નંબર-108એ દર્શાવી છે. જેમાં આવતીકાલે 13 માર્ચે હોળીના દિવસે ઈમરજન્સી કેસોમાં 3.61 ટકાનો વધારો થશે. જ્યારે 14 માર્ચે ધૂળેટીના દિવસે 29.88 ઈમરજન્સી કેસોનો વધારો નોંધાવાની શક્યતા છે.
રોડ અકસ્માતની વાત કરીએ તો, હોળીના દિવસે 656 કેસ અને ધૂળેટીના દિવસે 911 કેસ નોંધાવાની શક્યતા છે. જેને લઈને પહેલેથી સાવચેતી રાખવા માટે તંત્રએ જણાવ્યું છે. જ્યારે શારીરિક હુમલા સહિતના કેસની વાત કરીએ તો, હોળીના દિવસે 528 અને ધૂળેટીના દિવસે 907 કેસ વધવાની શક્યતા છે. આમ હોળી-ધૂળેટીના તહેવારમાં લોકોએ વાહનોમાં પરિવહન કરવાની સાથે સાવચેતી રાખવા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.