
જમ્મુ-શ્રીનગર રોડ પર ભારે વરસાદને કારમે અનેક ટ્રકો ભેખડો વચ્ચે ફસાતા ઘટના સ્થળે જ ત્રણના મોત નિપજ્યા છે. ભારે વરસાદને કારણે પૂર આવવાથી જમ્મુથી શ્રીનગર જતા વચ્ચે આવેલા રામબન-બનિહાલ હાઈવે પર ભેખડો ધસી પડતા અનેક ટ્રકો ફસાઈ છે. તો કેટલાક વાહનો ખીણમાં પડી હોવાની માહિતી મળી છે. જેના કારણે આ રૂટ પર કલાકો સુધી ટ્રાફિક જામ થયો છે. કાશ્મીર પોલીસે જમ્મુથી આવતા લોકોને તાત્કાવિકધોરણે પાછા વળવાની સુચના આપી હતી.
વાહન ચાલકોને પાછા શ્રીનગર કે નજીકના સેન્ટરમાં રહી જવાની સૂચના
શ્રીનગરથી આવતા વાહન ચાલકોને પાછા શ્રીનગર કે નજીકના સેન્ટરમાં રહી જવાની સૂચના આપવામાં આવી છે, મળતા અહેવાલ પ્રમાણે અંદાજીત 5 હજાર ગુજરાતીઓ આ પ્રવાસમાં ફસાયા છે. હાલમાં શ્રીનગર, ગુલમર્ગ, સોનમર્ગ, પહેલગામમાં રોકાયેલા પાંચેક હજાર પ્રવાસીઓએ શિડ્યુલમાં ફેરફાર કરીને તાત્કાવલિક વળતી ફ્લાઈટ પકડવાનો વારો આવ્યો છે.
ફ્લાઈટોના ભાડામાં સતત વધારો
જેના કારણે હાલમાં શ્રીનગર-દિલ્હી, શ્રીનગર- અમદાવાદ, શ્રીનગર-ચંડીગઢ, શ્રીનગર- અમૃતસર અને જમ્મુ જતી ફ્લાઈટોના ભાડામાં ડબલ કરતાં વધારે ઉછાળો આવ્યો છે. જો કે અત્યારે હવાઈ માર્ગથી કાશ્મીરની યાત્રા યથાવત છે. પરંતુ વાહન કે ટ્રેવ દ્વારા જતાં યાત્રિકોને પોતાની યાત્રા સ્થગિત કરવી પડી છે.
સમગ્ર જિલ્લામાં ભારે તારાજી સર્જાઇ છે. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહ અને ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને ભોગ બનેલા લોકોને તમામ પ્રકારની મદદની ખાતરી આપી હતી. હાલમાં રામબનમાં જિલ્લા પ્રશાસન, રાજ્યનું ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (ડીઆરએફ) અને રેસ્ક્યૂ ટીમોને તૈનાત કરવામાં આવી છે. જ્યારે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરાયેલા રેસ્ક્યૂની કાર્યવાહીના વખાણ કર્યા હતા.
રામબન જિલ્લામાં ભારે પૂર, ભુસ્ખલનની સ્થિતિ સર્જાઇ
તેમણે કહ્યું હતું કે રામબન જિલ્લામાં ભારે પૂર, ભુસ્ખલનની સ્થિતિ સર્જાઇ છે. રામબન જિલ્લાની આસપાસ પણ તેની અસર જોવા મળી રહી છે. નેશનલ હાઇવે પણ જામ રહ્યો હતો. કેટલાક પરિવારને ભારે નુકસાન થયું છે જ્યારે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે.કેટલાક ગુજરાતના ટૂર ઓપરેટરોએ જણાવ્યું કે અમે ગુજરાતના પ્રનવાસીઓના સંપર્કમાં જ છીએ. મોટાભાગના લોકોને વૈષ્ણોદેવીનો પ્રવાસ કેન્સલ કરવો પડ્યો છે. જે લોકો અત્યારે બનિહાલ કે રામબનમાં ફસાયા છે તેમને નજીકના સ્થળોએ પહોચાડવાની વ્યવસ્થા કરાવવામાં આવી રહી છે.
આ પરિસ્થિતિને કારણે હવાઈ યાત્રા વધુ મોંઘી થઈ ગઈ છે. શ્રીનગરથી રિયાસી થઈને કાઝિગુન્ડ જતો મુઘલ રોડ અન્ય એક વિકલ્પ છે પરંતુ આ રોડ હજુ ખુલ્લો કરવામાં આવ્યો નથી. આ રોડ પર પણ આર્મીની મુવમેન્ટ ઉપરાંત મોટા વાહનોની મુવમેન્ટ ચાલશે જેના કારણે ટ્રાફિક ધીમો રહેશે. આ પરિસ્થિતિમાં ઓછામાં ઓછા દસ દિવસ સુધી આ રોડ બંધ રહેશે એવી શક્યતાઓ છે.