
આરોગ્ય વિભાગના કર્મચારીઓ ગુજરાતભરમાં ઠેર ઠેર હડતાળ ઉપર ઉતરી આવ્યા છે. ગ્રેડ પે સહિત વિવિધ માંગને લઈને હજારોની સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી આવ્યા છે. જેને પગલે કેટલાક સ્થાનો પર કર્મચારીઓને નોટીસ આપવામાં આવી હતી. તો આ મામલે નર્મદા જિલ્લાના આરોગ્ય વિભાગનો સૌથી મોટો નિર્ણય સામે આવી રહ્યો છે. જણાવી દઈએ કે, અરવલ્લી જિલ્લામાંથી પણ 307 આરોગ્ય કર્મચારીઓને તાત્કાલિક અસરથી છુટા કરવામાં આવ્યા હતા.
જિલ્લાના 119 કર્મચારીઓને છુટા કરાયા
નર્મદા જિલ્લામાં કામ કરતા 119 કર્મચારીને 28 માર્ચ 2025થી તાત્કાલિક છુટા કરવામાં આવ્યા છે. આ તમામ લોકો હાલ ચાલી રહેલ હડતાળમાં જોડાયા હતા જેને પગલે રાજ્ય સરકારના નિર્ણય પ્રમાણે તે તમામને છુટા કરવામાં આવ્યા છે. જેમાં MPHWના 49 અને FHWના 70 તેમ કુલ 119 કર્મચારીઓ માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર ઉતરી આવતા ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય ક્ષેત્રે માઠી અસર પડવાની શક્યતા સેવાઈ રહી છે.