
કેવડિયામાં 562 રજવાડાઓનું 260 કરોડના ખર્ચે મ્યુઝિયમ બનશે. વડાપ્રધાન મોદી આ મ્યુઝિયમનું લોકાર્પણ કરી શકે છે.
કેવડિયામાં 5 એકર જમીન પર સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક આ મ્યુઝિયમ બનવા જઇ રહ્યું છે. દિલ્હી, વડોદરા, રાજકોટ તેમજ અન્ય રાજ્યના રાજવી પરિવારોની જે કમિટી બનાવવામાં આવી હતી તેમની સાથે મુલાકાત અને ચર્ચા પણ કરવામાં આવી છે.ક્ષત્રિય સમાજે PM મોદી સામે માંગી કરી હતી કે આવું મ્યુઝિયમ બને. સરદાર પટેલે જે રજવાડા એકત્ર કર્યા તે રજવાડાઓનું મ્યુઝિયમ પણ સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે જ બનવા જઇ રહ્યું છે.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિર્ણયને આવકાર્યો
ગુજરાત સરકારમાં પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ આ નિર્ણયને આવકાર્યો છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું, "આ નિર્ણય કરવા બદલ વડાપ્રધાનનો આભાર માનું છું. બધા રજવાડાઓને સરદાર સાહેબે ભેગા કર્યા હતા અને જ્યાં સરદાર સાહેબનું સ્ટેચ્યુ છે તેની પાસે જ 562 રજવાડાઓનું મ્યુઝિયમ બનશે તેમાં તેમના વિશેની માહિતી હશે અને તેમને જે દસ્તાવેજ કર્યા પોતાનું રાજ્ય દેશને આપી દેવાના તે બધા દસ્તાવેજ પણ તેમાં હશે. આ માંગણી અમે બધા ક્ષત્રિય આગેવાનોએ વડાપ્રધાન સમક્ષ કરી હતી.ભાવનગર ક્ષત્રિય સમાજે કરી હતી અને છેલ્લે સંકલન સમિતિએ પણ આ માંગણી કરી હતી તે સૌ વતી હું આ આભાર માનું છું."