
નર્મદા જિલ્લામાં એક ચોંકાવનાર કેસ બહાર આવ્યો છે જ્યાં સાયબર સેલનો જ પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરી વિરુદ્ધ સાયબર ફ્રોડનો ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપ મુજબ ચૌધરીએ ઉચ્ચ અધિકારીઓની જાણ બહાર સરકારી મેલ આઈડીનો દુરૂપયોગ કર્યો હતો અને લોકોને ઠગવાનું ષડયંત્ર રચ્યું હતું. રાજપીપળા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 336/2, 340/2 અને 201 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાનું નુકસાન કર્યુ હોવાનું પ્રાથમિક તારણ છે.
ફ્રોડની મોડસ ઓપરેન્ડી
સરકારી ઓળખનો ઉપયોગ કરીને વ્યક્તિગત માહિતી મેળવી છેતરપિંડી કરી હતી. ઓનલાઇન ગેમ અને ઓન લાઇન સટ્ટા જેવી પ્રવૃત્તિઓમાં સામેલ રહીને લોકોને ફાયનાન્સિલી ટાર્ગેટ કરતો હતો. બેંકોને કન્ફ્યુઝ કરી બેંક ખાતા બંધ કરવા કહેતો અને ત્યારબાદ તેને પોતાના ફાયદા માટે વાપરતો હતો. છેલ્લા એક વર્ષથી વિવિધ લોકોને લક્ષ્ય બનાવી છેતરપિંડી કરતો હોવાનું ખુલ્યું છે.
શરુ થઈ તપાસ
આ સમગ્ર મામલે નર્મદા જિલ્લાના SP પ્રશાંત શૂંબેને જાણ થતાં તરત જ તપાસ શરૂ કરવામાં આવી હતી. રાજપીપળા પીઆઈને ફરિયાદ દાખલ કરવાની સૂચના અપાઈ હતી. તેનું પાલન કરતાં FIR દાખલ કરીને વધુ તપાસ શરૂ કરાઈ છે. અત્યારે આરોપીની કારસ્થાનીઓ કેટલા વિસ્તૃત છે અને કેટલાય વ્યક્તિઓ તેની પ્રવૃત્તિથી પીડિત છે તે જાણવા માટે તપાસ ચાલી રહી છે.