
નર્મદા પરિક્રમામાં દેશના મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત સહિતના વિવિધ રાજ્યો અને જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્રના નાસિક ખાતેથી પરિક્રમા કરવા આવેલા એક સાઇકલ સવાર ગૃપ દ્વારા સ્વચ્છ નર્મદા-નિર્મલ નર્મદા, વૃક્ષો વાવો, જળ હી જીવન હૈ અને પર્યાવરણ જાળવણીએ આપણી નૈતિક જવાબદારી છે. તેવા પ્લેકાર્ડ સાથે પરિક્રમા કરવા આવતા લોકોને જાગૃતિ સંદેશો આપતા પવિત્ર ભાવ સાથે આ પરિક્રમામાં જોડાયા હતા.
નાશિકથી 12 લોકોનું ગ્રુપ આવ્યું
પરિક્રમા વાસીઓના જણાવ્યા મુજબ અમે ૧૨ લોકોનું ગૃપ અહીં નર્મદા પરિક્રમા કરવા માટે આવ્યા છીએ. એક અઠવાડીયા અગાઉ અમારા સાથી સાઇકલ દ્વારા નાસિકથી અહીંયા આવી નર્મદા પરિક્રમા કરી હતી, તેમના પ્રતિભાવ-અભિપ્રાયથી પ્રેરાઇને અમે આ પરિક્રમાનો લાભ લીધો છે. નર્મદા પ્રશાસન દ્વારા અહીં ખુબ સારી વ્યવસ્થઓ ગોઠવી છે અને ખાસ કરીને અહીંયાની સ્વચ્છતા ખૂબ સારી છે તે જોઇને અમને ખુશી થઇ છે.
મેદસ્વીતા ઘટાડવા અપાયો સંદેશ
અમારા ગૃપ દ્વારા પરિક્રમામાં આવતા ભાવિક ભકતોને જલ બચાવો, જળ હી જીવન હૈ, વધારેમાં વધારે વૃક્ષો વાવો, સ્વચ્છતા હી સેવા અને પર્યાવરણની જાળવણી કરો તેવા નારા લગાવી પ્લે કાર્ડ દ્વારા લોકોને મેસેજ આપી જાગૃતતા લાવવાનો સુંદર પ્રયાસ કર્યો હતો. સાથે સાથે સાઇકલ ચલાવી આપણા શરિરને ફીટ રાખવા અને પ્રદૂષણ અટકાવવા ખાસ અપીલ કરી હતી. અને સરકાર દ્વારા પણ મેદસ્વીતા ઘટાડવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તે માટે આ પરિક્રમા અને સાયકલીંગ ખૂબ જ કારગત સાબિત થશે.