આઝાદ ભારતના સાત દાયકાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં નર્મદા જિલ્લાના કેટલાક આદિવાસી વિસ્તાર એવા છે., જ્યાં આજે પણ વિકાસ માત્ર કાગળ પર જ છે. આમ જ એક વધુ કંપાવી દેતી ઘટના નોંધાઈ છે. ઝરવાણી ગામના લીંબાડા ફળિયામાં, જ્યાં માર્ગના અભાવને કારણે એક મહિલાને જીવના જોખમ પર પહોંચાડવી પડી હોસ્પિટલ સુધી.
જીવના જોખમે એમ્બ્યુલન્સ સુધી પહોંચાડાઈ
ગત રાત્રિએ એક ગર્ભવતી મહિલાને અચાનક પ્રસૂતિના દુઃખાવા ઉપડતા, વાહનના અભાવે અને માર્ગના અભાવે, સ્થાનિક ગ્રામજનોએ જોળી બનાવી તેણીને ખાડી પાર કરીને 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવી પડી. રસ્તો નહોતો, પુલ નહોતો – માત્ર જીવના જોખમ પર ઘાટ પર ઘાટ પાર કરતા તેઓએ એ મહિલા માટે રાહત પેદા કરી.
રસ્તા વગર સતત હાલાકી
108 એમ્બ્યુલન્સે મહિલાને લઈ જતા રસ્તામાંજ ડિલિવરી થઈ ગઈ. સદનસીબે, માતા અને બાળક બંને સુરક્ષિત છે. પરંતુ આ ઘટના દરેક વ્યક્તિને ચિંતામાં મૂકે તેવો પ્રશ્ન ઊભો કરે છે – રોગી, બાળકો, વિદ્યાર્થીઓ અને મહિલાઓ માટે રસ્તા વગરની જીંદગી કેટલા સમયમાં બદલાશે? દર વર્ષે ચોમાસાના સમયમાં ખાડીમાં ભારે પાણી ભરાતા લીંબાડા ફળિયાનો મુખ્ય ગામ ઝરવાણીથી સંપર્ક તૂટી જાય છે. મોટેરાઓ અને બાળકો પણ નદી પાર કરીને જ સ્કૂલે જાય છે. તે પણ જીવના જોખમે.
કોની બેદરકારી ?
ગ્રામજનોએ વર્ષોથી રજુઆત કરી છે. ગામના સરપંચના કહ્યા અનુસાર લીંબાડા ફળિયાથી ભાંગડા ફળિયા સુધી માર્ગ અને પુલ માટે મંજૂરી મળેલી છે, પણ કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે કામ આજ સુધી શરૂ થયું નથી. વિકાસના વાયદા થયા, મુલાકાતો પણ થઈ, પણ જમીન પર રસ્તાની શરૂઆત સુધીની રાહજોઈ યથાવત છે. હવે સ્થાનિક નેતાઓ અને તંત્ર વાસ્તવિક પગલાં ભરે અને સમયસર માર્ગ બને તો જ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લઈ શકે.