
રાજ્યમાં પડેલા ભારે વરસાદના પગલે રસ્તાઓ ધોવાઈ ગયા છે. મસમોટા ખાડાઓ ઠેર ઠેર પડ્યાં છે. ત્યારે સ્ટૅચુ ઓફ યુનિટી અને વડોદરા રાજપીપલાને જોડતો મુખ્ય રસ્તો દેવલીયા ચોકડીથી રાજપીપળા સુધી નેશનલ હાઇવે 56 આવેલો છે. તેમાં એક-એક ફૂટના મોટા મોટા ખાડા પડી ગયા છે. અમુક વિસ્તારોમાં એક-એક ફૂટના ખાડા હોવાથી વાહન ચાલકો ખાડામાં પટકાઈ ત્યારે વાહનોને ભારે નુકસાન થાય છે. ત્યારે આ ખાડાઓ પૂરવા માટે કોંક્રિટની જગ્યાએ મોંઘાદાટ પેવર બ્લોકનો ઉપયોગ થઈ રહ્યો છે.
બ્લોકની ક્ષમતા 10 ટન
અમુક વિસ્તારોમાં નેશનલ હાઇવે 56ના અધિકારીઓ મજૂરો લગાવીને મોટા મોટા ખાડામાં મેટલ પૂરવાની જગ્યાએ પેવરબ્લોક મૂકીને તેના ઉપર માટી નાખીને ખાડા પૂરે છે. પેવરબ્લોકની ક્ષમતા 10 ટનની છે. જયારે આ રોડ ઉપર 100 ટનથી વધુ વજનની ટ્રાન્સપોર્ટની ગાડીઓ પસાર થાય છે. ત્યારે આ પેવરબ્લોક ભાંગીને ભુક્કો થઇ જાય છે.
નિયમોનો ઉલાળિયો
નિયમો અનુસાર આવી રીતના ખાડા પૂરવાનો કોઈ નિયમ નથી. નેશનલ હાઇવેના અધિકારીઓ પેવરબ્લોક પૂરાવીને નિયમોનો ભંગ કરી અકસ્માતને નોતરું આપી રહ્યા છે. જયારે લોકો ખાડાથી પરેશાન છે. તંત્રના અધિકારીઓ આ તરફ ધ્યાન આપે તે જરૂરી બન્યું છે. કારણ કે, નિયમોનો ઉલાળિયો કરીને અત્યારે જે ખાડા પૂરવામાં આવી રહ્યા છે તે ફરી ન પડે તે પણ એટલું જ જરૂરી હોવાનું લોકો કહી રહ્યાં છે.