વિકસિત ગુજરાતના બણગાં ફૂંકતી રાજ્ય સરકારના વિકાસની ફરી એકવાર પોલ ખૂલી ગઈ છે. નર્મદા( Narmada) જિલ્લાના ચાપટ ગામના પેટા ફળિયામાં રહેતા ઇસિદ્રભાઈને સાપ કરડતા રોડના અભાવે ઝોલીમાં નાંખીને દવાખાને લઈ જવા પડ્યા હતાં. આ ઘટના સામે આવ્યા બાદ નર્મદાનો ઝોળીદાર વિકાસ ફરી એકવાર સામે આવ્યો છે.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, નર્મદા જિલ્લાના ચાપટ ગામના પેટા ફળિયામાં ઇસિદ્રભાઈ વસાવાને સાપ કરડ્યો હતો. સાપ કરડ્યા બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. પરંતુ, રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકે તેમ નહતી. તેથી, આશરે 10 કિ.મી સુધી ઈસિદ્રભાઈને ઝોળીમાં નાંખીને મુખ્ય રોડ સુધી લાવવામાં આવ્યા. મુખ્ય માર્ગ પરથી બાદમાં તેમને ખાનગી વાહનમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. હાલ, હોસ્પિટલમાં તેમની સારવાર થઈ રહી છે.
સ્ટેચ્યુ ઑફ યુનિટીથી 10 કિ.મી દૂર ગામડાની કફોડી સ્થિતિ
નોંધનીય છે કે, નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાનું આ ગામ સ્ટેચ્યુ ઑફ યુનિટી (Statue of Unity) 10 કિલોમીટર ના અંતરે આવેલું છે. આઝાદીના આટલા વર્ષો પછી પણ ચાપટ ગામને રસ્તાની સુવિધા નથઈ મળી. જ્યારે સ્ટેચ્યુ ઑફ યુનિટી (Statue of Unity)ના નામે કરોડો રૂપિયા વિકાસના નામે ખર્ચ કરવામાં આવે છે.
આ પહેલાં પ્રસૂતાનો વીડિયો થયો હતો વાઈરલ
આ પહેલાં પણ નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર ચાપટ ગામના પાયલ વસાવાને રાત્રે પ્રસવ પીડા ઉપડી હતી અને ગામમાં રસ્તાના અભાવે કોઈ સરકારી વાહન આવી શકે તેમ નહતું, તેથી પરિવારે પ્રસૂતાને સાડીની ઝોળી બનાવી હૉસ્પિટલ લઈ જવાની તજવીજ હાથ ધરી. પરંતુ, પરિવારજનો પ્રસૂતાને હૉસ્પિટલ સુધી પહોંચાડે તે પહેલાં જ મહિલાએ જંગલમાં જ બાળકને જન્મ આપી દીધો. બાળકને જન્મ આપ્યા બાદ પરિવારજનો ફરી મહિલા અને બાળકને ઝોળીમાં નાખી હૉસ્પિટલ સારવાર માટે લઈ જવા નીકળી પડ્યા.