
નર્મદા જિલ્લાના દેડિયાપાડાના રોઝઘાટમાં જળસંકટ સર્જાયું છે. ભર ઉનાળે પાણી માટે ખેતરોમાં મહિલાઓ રઝળપાટ કરી રહી છે. ગામમાં આવેલા હેન્ડપંપને બોરમાં પાણીના સ્તર નીચે જતા મોટા ભાગના નકામા થયા છે. ખેતરોમાં કૂવામાં પાણી ભરવા મજબુર મહિલાઓ થઈ છે. લાખોના ખર્ચે બનાવેલા "નલ સે જલ " યોજના ફારસરૂપ સાબિત થઈ છે. નળ શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા છે. રોઝઘાટ ગામે મનુષ્યો, પશુઓ, પક્ષીઓ અને જંગલના પ્રાણીઓને પીવાનું પાણી મળતું નથી. રોઝઘાટ સહિત સમગ્ર દેડિયાપાડા તાલુકામાં જળ સંકટ શરૂ થઈ ગયું છે. જમીનમાં જળસ્તર નીચે ઉતરી ગયા છે. જમીનમાં જળસ્તર ૬૦૦ ફૂટ નીચે ઉતરી ગયા છે.
ખેતરોમાંતી લાવવું પડે છે પાણી
ખેતીવાડીના પિયત માટેના કુવા તેમજ બોરનાં ભરોસે મહિલાઓ રહે છે. તેઓ કહે છે કે, અમારા રોઝઘાટ ગામમાં પીવાના પાણીની ઘણી તકલીફ પડી રહી છે. બોર તેમજ હેન્ડ પંપમાં પાણીના સ્તર નીચે જતા પાણી ની તકલીફ પડે છે. નલ સે જલ હેઠળ મૂકેલા નલ માં એક વર્ષ થી પાણી નથી આવ્યું. અમારે બે થી ત્રણ કિલોમિટર દૂર ખેતરોમાં આવેલા કુવા તેમજ ખેતીવાડીના બોર માંથી પાણી લાવવું પડે છે. ઘરઆંગણે પીવાના પાણીની સુવિધા થાય એવી અમારી માંગ છે.
વર્ષથી ગામમાં નથી સરપંચ
નવી પંચાયત અલગ પડતા એક વર્ષથી સરપંચ વગર વહીવટદારથી પંચાયત ચાલે છે. ઉમરાણ પંચાયત માંથી રોઝઘાટ, ટીલીપાડા અને ખાપરબુંદા ગામની અલગ પંચાયત થઈ છે. જેમાં એક વર્ષથી વહીવટદાર નીમવામાં આવેલાં છે. જેને કારણે ગામની સમસ્યાઓ ઉપર વહીવટી તંત્ર ધ્યાન આપતું નથી. ગામમાં પાણીની સમસ્યા ખૂબ જ છે. મહિલાઓ પાણી માટે પોતાના કામ ધંધા છોડી પાણી માટે લાઈનમાં લાગે છે. વહીવટી તંત્રને પત્ર લખી જાણ કરેલ છે. પણ હજુ સુધી કોઈ પગલાં લીધેલ નથી.