
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કરાડી ગામમાં આજે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ના આદેશ અનુસાર ગેરકાયદે ઝીંગા તળાવો તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પૂર્ણા નદીના કિનારે આવેલા આ તળાવોના માલિકોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી. ત્રણ વખતની સુનવણી દરમિયાન તળાવના માલિકો કોઈ પુરાવા રજૂ કરી શક્યા નહોતા.
15 JCB કામે લાગ્યા
આ પછી વહીવટી તંત્ર દ્વારા કુલ ચાર એકરમાં ફેલાયેલા તળાવોને તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કામગીરી માટે 15 JCB મશીનો તૈનાત કરવામાં આવ્યા છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જલાલપોર મામલતદાર, પોલીસ ઇન્સપેક્ટર અને પોલીસ સબ-ઇન્સપેક્ટર સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે હાજર છે.
પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો
જલાલપુર મામલતદાર મૃણાલ ઇસરાણીના જણાવ્યા મુજબ, જમીન મહેસુલ કાયદાની કલમ 61 અંતર્ગત માપણી કરાવ્યા બાદ દબાણ પ્રસ્થાપિત થયું હતું. આ કાર્યવાહીમાં જલાલપોર તાલુકા વિકાસ અધિકારી અને પોલીસ પી.આઇ સહિતનો સ્ટાફ બંદોબસ્તમાં હાજર છે. કામગીરી કાયદેસર રીતે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પાર પાડવામાં આવી રહી છે.