
બદલાયેલું વાતાવરણ ખેતીના વ્યવસાય માટે દિવસે જોખમ ઊભું કરી રહ્યું છે. જેને કારણે સીધી અસર ખેતપેદાશ પર થાય છે. હાલમાં ઉનાળામાં કેરીની સીઝન જોરમાં હોય છે. પરંતુ બદલાયેલા વાતાવરણની અસરથી આંબાપાક પણ બચી શક્યો નથી. ત્યારે ગ્લોબલ વોર્મિંગ સામે ઝીંક ઝીલી શકે અને કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ગુણવત્તા યુક્ત ઉત્પાદન આપી શકે. એવી કેરીનું જાતને ખેડૂત અપનાવે એવા ઉમદા હેતુથી નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સેન્ટ્રલ એક્ઝામિનેશન હોલ બહાર કેરી હરીફાઈ અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં કુલ 125 પ્રકારની કેરીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત સહિત નવસારી કૃષિ યુનિવર્સિટીમાં પોતીકી 70 કેરી અને વિદેશી બ્રાન્ડની 15 કેરીઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આ પ્રદર્શનને કૃષિ યુનિવર્સિટીના વોઇસ ચાન્સેલર ઝીણાભાઈ પટેલના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું છે
40 હજાર હેક્ટરમાં આંબાનો પાક લેવાય છે
દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં 40,000 હેક્ટરમાં આંબાપાક થાય છે. હાલમાં બદલાયેલા વાતાવરણ સામે કેસર કેરી સારું ઉત્પાદન અને વળતર આપે છે જેથી દક્ષિણ ગુજરાતના મોટાભાગના ખેડૂતો કેસર તરફ વળ્યા છે પરંતુ પરંપરાગત દેશી આંબા, વિદેશી અને સારું બજાર વળતર અપાવતી કેરીની જાતોને લઈને ખેડૂતો જાગૃત થાય અને માહિતી મેળવે તે માટે આ પ્રદર્શનનો મુખ્ય હેતુ રહ્યો છે ભુલાયેલી કેરીની વેરાઈટી ને નવજીવન મળે અને તેને ખેડૂતો વાવે તે માટે તેમને જાગૃત કરવામાં આવ્યા છે.
વિજેતાને અપાશે સર્ટિફિકેટ
આ પ્રદર્શન અને હરીફાઈ માં અલગ અલગ ગુણધર્મ ધરાવતી કેરી જેવી કે રંગ,આકાર,સ્વાદ અને આકર્ષણ નામ ધરાવતી કેરીને નવસારી જિલ્લાના ખેડૂતો અને નગરજનો એ નિહાળી હતી. ખેડૂતોએ આ પ્રદર્શનમાં વહેલો પાક કઈ રીતે લેવાય અને વાતાવરણમાં ફેરબદલ આવે ત્યારે શું શું કાળજી લેવી તેને લઈને કૃષિ વૈજ્ઞાનિકો પાસેથી માહિતી મેળવી હતી નવસારી કૃષિ યુનિવર્સિટી સમગ્ર રાજ્યના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સમાન સાબિત થઈ છે અવારનવાર ખેડૂતોને તાલીમ અને માર્ગદર્શન આપી ભુલાયેલા પાકને સજીવન કરવા યુનિવર્સિટી હંમેશા તત્પર રહે છે. હરીફાઈ માં કુલ 35 ખેડૂતોને કેરીની ગુણવત્તા ને આધારે અલગ અલગ કેટેગરીમાં સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પ્રદર્શન 22 અને 23 મે સુધી શહેરીજનો માટે ખુલ્લું રહેશે.