
સુરત હજીરાથી ટેમ્પો (નં. જીજે-15-એવી-2451) ઇન્ડેન ગેસ કંપનીમાંથી 90 એલપીજી સિલિન્ડર ભરી વાપી જઇ રહ્યો હતો. દરમિયાન રાત્રે 11 કલાકે ટેમ્પો એંધલ હાઇવે પર આવેલ ડુંગરી ફળિયા પાસે પહોંચતા ટેમ્પોના કેબિનમાં ધુમાડા નીકળતા જોઇ ચાલક ટેમ્પોમાંથી નીચે ઉતરી ગયો હતો.
ભયનો માહોલ
ધુમાડાએ આગનું સ્વરૂપ ધારણ કરતા આ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે ધસી આવી હતી. પોલીસે પહેલા તો સલામતીના ભાગરૂપે ટ્રાફિક અટકાવી દીધો હતો અને ગણતરીની મિનિટોમાં જ નવસારી, ગણદેવી અને બીલીમોરાના ફાયર ફાયટર ઘટનાસ્થળે ધસી આવ્યા હતા.
પાણીનો મારો ચલાવાયો
ફાયર ફાયટરોએ ટેમ્પોની કેબીન ઉપર પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. આગ કાબૂમાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો આગ વધીને ગેસ સિલિન્ડર સુધી પહોચી જતે તો ગંભીર દુર્ઘટના સર્જાઇ હોત. બાદમાં ટેમ્પોને સલામત સ્થળે લઇ ગયા હતા અને ટ્રાફિક પૂર્વવત કર્યો હતો.