નવસારી શહેરના સ્ટેશન વિસ્તારમાં આવેલાં ત્રણ મંદિરોને દૂર કરવા માટે બુધવારે સવારે મહાનગરપાલિકાની ટીમ પહોંચી હતી. પરંતુ આ પગલાની સામે હિંદુ સંગઠનો દ્વારા તીવ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
જય શ્રી રામના લાગ્યા નારા
સંગઠનોના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં સ્થળે ભેગા થયા હતા અને "જય શ્રી રામ"ના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. તેઓએ માંગ કરી હતી કે પાલિકા મંદિરને તોડી પાડવાને બદલે તેની માટે યોગ્ય વૈકલ્પિક જગ્યા ફાળવે અને મંદિરના સ્થાનાંતરણ માટે સમય આપવામાં આવે. વિવાદ વધતા નવસારી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ગૌરવકુમાર વાસાણી પણ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને ઉગ્ર થયેલા હિંદુ સંગઠનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
સ્વૈચ્છિક રીતે સ્થળાંતર કરવાની સૂચના અપાઈ હતી
અધિકારીએ જણાવ્યું હતું કે દબાણયુક્ત સ્થાને આવેલું મંદિર અંતે દૂર કરવાનું રહેશે, પરંતુ સંવેદનશીલતા રાખી તેમજ સંવાદ દ્વારા ઉકેલ લાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા છેલ્લા છ મહિનાથી આ મંદિરના દબાણ અંગે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને અગાઉ પણ નોટિસ આપીને મંદિરો માટે વૈકલ્પિક જગ્યા શોધી સ્વૈચ્છિક રીતે સ્થળાંતર કરવાની સૂચના અપાઈ હતી.હાલમાં સ્ટેશન વિસ્તારમાં અંદાજે 100થી વધુ હિંદુ સંગઠનના કાર્યકરો એકત્ર થયા હતા અને શાંતિપૂર્ણ વિરોધ સાથે પોતાની માંગો રજુ કરી હતી.