
નવસારી જિલ્લામાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા નેશનલ હેરાલ્ડ કેસના મુદ્દે કોંગ્રેસ વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જિલ્લા ભાજપ અધ્યક્ષ ભૂરલાલ શાહના નેતૃત્વમાં મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયા હતા અને ધરણા-પ્રદર્શન દ્વારા પોતાનો વિરોધ નોંધાવ્યો.
જૂનાથાણા ખાતે એકત્ર થઈ આ બાબતે વિરોધ નોંધાવ્યો હતો..ભાજપના નેતાઓએ આક્ષેપ કર્યો કે કોંગ્રેસે નેશનલ હેરાલ્ડ જેવા ઐતિહાસિક અખબારના નામે કરોડો રૂપિયાની સંપત્તિ અયોગ્ય રીતે હસ્તગત કરી છે. “યંગ ઇન્ડિયા” નામની કંપની દ્વારા માત્ર પચાસ લાખ રૂપિયામાં હજારો કરોડની મિલ્કત કબજે કરવાની કોશિશ કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી આ મામલામાં મુખ્ય આરોપીઓ છે અને હાલમાં બંને જામીન પર છે.ભાજપના નેતાઓએ જણાવ્યું કે જો કોંગ્રેસના નેતાઓ નિર્દોષ હોય, તો કોર્ટમાં પુરાવાઓ રજૂ કરી ચૂકવણી આપવી જોઈએ. તેમનું કહેવું છે કે કોંગ્રેસ તપાસ પ્રક્રિયામાં વિક્ષેપ પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે, જે કાયદાના વિરુદ્ધ છે અને લોકશાહી માટે હાનિકારક છે.દેશભરમાં ભાજપ દ્વારા આ મામલે વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યાં છે. તેનો એક હિસ્સો તરીકે, આજે નવસારીમાં પણ આઝાદીના નામે થયેલી આર્થિક ગેરરીતિ સામે ઊંચો અવાજ ઉઠાવવામાં આવ્યો. વિરોધ દરમિયાન “કાયદા ઉપર કોઈ નથી” જેવા સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો.