
ગુજરાતભરમાં જાણે અક્માતની વણઝાર સર્જાઈ છે તેમ સતત અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ગુજરાતના અરવલ્લી અને આણંદમાંથી ગંભીર અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. અરવલ્લીમાં એક ટ્રક બ્રિજ પરથી નીચે ખાબકી હતી તો આણંદમાં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અરવલ્લીમાં એક ટ્રક 30 ફૂટ નીચે ખાબકી
અરવલ્લી જિલ્લામાં માલપુર લુણાવાડા સ્ટેટ હાઇવે પર એક ટ્રક બ્રિજમાંથી 30 ફુટ નીચે ખાણમાં ખાબકી હતી. સોનારીયા પાસે હાઇવે છોડી ટ્રક પુલમાં પડી હતી. પુલમાં ટ્રક ખાબકી છતાં ડ્રાયવરનો આબાદ બચાવ થયો હતો. સ્ટિયરિંગ પરથી કાબુ ગુમમાવતા આ ઘટના બની હતી. અકસ્માત સર્જાતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ટ્રક ડ્રાઈવરને સ્થાનિકોએ સિફત પૂર્વક બહાર કાઢયો હતો. 30 ફૂટ નીચે ટ્રક ખાબકતા કેબિનનો કચ્ચરગાણ વળી ગયો હતો.
આણંદમાં ટેમ્પો, કાર અને બાઈક વચ્ચે અકસ્માત
આણંદના રાજપથ માર્ગ પર શાન મોલ પાસે ટેમ્પો, કાર અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં બાઈક સવાર યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વિદ્યાનગર પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.