
પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ઘોઘંબા તાલુકા પંચાયતની વાંગરવા સીટના સભ્ય ચંદ્રકાન્ત બળવંતભાઈ બારીયાને બનાવટી આદિવાસી તરીકેનો દાખલો રજૂ કરવા બદલ સભ્યપદેથી દૂર કરવામાં આવ્યા હતા. વાંગરવા બેઠકના સભ્ય ચંદ્રકાન્ત બળવંતભાઈ બારીયાએ આદિવાસી તરીકેનો ખોટો દાખલો બનાવીને ચૂંટણી લડી હતી.
આમ બિન આદિવાસી હોવા છતાં આદિવાસી અનામત બેઠક પરથી ચૂંટાયા બાદ ઘોઘંબા તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ તરીકેનો હોદ્દો મેળવ્યો હતો. જો કે ગામના જાગૃત નાગરિક વલસિંગભાઈ સબૂરભાઈ રાઠવાએ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરી ખાતે ચંદ્રકાન્ત બારીયાના આદિવાસી હોવાના પ્રમાણપત્રની ખરાઇ કરવા માટે અરજી કરી હતી.
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની તપાસ દરમિયાન બહાર આવ્યુ હતું કે ચંદ્રકાન્ત બારીયા આદિવાસી નથી અને ખોટો દાખલો બનાવ્યો છે. જેને લઇને જિલ્લા વિકાસ અધિકારી ડી કે બારીયાએ ચંદ્રકાન્ત બળવંતભાઈ બારીયાને સભ્યપદેથી તત્કાલિક ધોરણે દૂર કરવાનો હુકમ કર્યો હતો.
ઘોઘંબા તાલુકા પંચાયતના રેકોર્ડમાં ચંદ્રકાન્તનું નામ જ ન હતું
ચંદ્રકાન્ત બારીયાએ પોતે આદિવાસી હોવાનું પ્રમાણપત્ર રજૂ કર્યુ હતું તે ઘોઘંબા તાલુકા પંચાયતમાંથી 7 ઓગસ્ટ 1995ના રોજ બનેલુ હતું. સમાજ કલ્યાણ અધિકારીએ ઘોઘંબા તાલુકા પંચાયતનો રેકોર્ડ તપાસ કર્યો હતો જેમાં 1995ના રેકોર્ડમાં ચંદ્રકાન્ત બારીયાનું નામ જ ન હતુ એટલે આ પ્રમાણપત્ર બોગસ હોવાનું ફલિત થયુ હતું.
હવે આ મામલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવામાં આવશે એટલે બોગસ પ્રમાણપત્ર બનાવી આપનારની શોધખોળ ચાલુ થશે. જાણકારી મળી રહી છે કે ચંદ્રકાન્ત બારીયા પોતે આદિવાસી નહી પરંતુ બક્ષીપંચમાં આવે છે. બોગસ પ્રમાણપત્ર બનાવી આપનાર સામે હવે પોલીસ ફરિયાદ નોંધાશે.