
હાલોલના સિનિયર સિટીઝને પોસ્ટમાં ફિક્સ ડિપોઝિટ કર્યા બાદ પાકતી મુદતે મુદ્દલની અડધી કરતાં પણ ઓછી રકમ હાથમાં આવતા છેતરાયા હોવાનો અનુભવ કર્યો છે. પંચમહાલ જિલ્લાના હાલોલમાં રહેતા સિનિયર સીટીઝન પ્રદીપ પરીખ અને તેમના પત્નીના નામ ઉપર હાલોલની પોસ્ટ ઓફિસમાં ત્રીસ લાખ જેટલી રકમની ફીક્સ ડિપોઝિટ કરી હતી.
પાંચ લાખને બદલે 1.90 લાખ જ આપ્યા
કુલ ત્રીસ લાખની અલગ અલગ ફીઝ ડિપોઝિટનું વ્યાજ તેમને પોસ્ટ વિભાગ દ્વારા આપવામાં આવતું હતું. નિશ્ચિત મુદતે ફિક્સ ડિપોઝિટ પાકતા તેમને પચ્ચીસ લાખની રકમ પોસ્ટ વિભાગે આપી હતી. પરંતુ અંતિમ પાંચ લાખની ફિક્સ ડિપોઝિટ આપતી વખતે હાલોલ પોસ્ટ વિભાગે પાંચ લાખને બદલે એક લાખ નેવું હજારની રકમ જ પરત આપી હતી.
સાત વર્ષ સુધીના વ્યાજની રકમ કાપી લેવાઈ
પાંચ લાખની મુદ્દલમાંથી ત્રણ લાખ દસ હજાર જેવી મોટી રકમ કાપી લેવાતા પ્રદીપભાઈ પરીખે તે બાબતે જવાબ માંગ્યો હતો. પોસ્ટ વિભાગે ફિક્સ ડિપોઝિટ ઉપર સાત વર્ષ સુધી આપેલા વ્યાજની રકમ કાપી લેવામાં આવી છે. પોસ્ટ વિભાગના જણાવ્યા મુજબ ફિક્સ ડિપોઝિટ મુક્તિ વખતે પ્રદીપભાઈના પત્નીની ઉંમર નિયમ મુજબની નહીં હોવાથી ચૂકવેલા વ્યાજને મુદ્દલમાંથી કપાત કરવામાં આવી છે.
કોર્ટના હુકમને પણ પોસ્ટ વિભાગ ઘોળીને પી ગયું
આ મામલે પ્રદીપભાઈએ ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરતા ગ્રાહક કોર્ટે હુકમ કર્યો હતો કે, ફિક્સ ડિપોઝિટમાંથી કાપી લીધેલી રકમ વ્યાજ સાથે તેમજ પાંચ હજાર કોર્ટ ફી સાથે પોસ્ટ વિભાગ પ્રદીપભાઈને પરત આપે. ગ્રાહક સુરક્ષા કોર્ટે આઠ મહિના અગાઉ કરેલા હુકમને પણ પોસ્ટ વિભાગ ઘોળીને પી ગયો હતો. પ્રદીપ ભાઈ તેમના હકના પૈસા માટે આજે પણ હાલોલની પોસ્ટ ઓફિસમાં ધક્કા ખાતા જોવા મળે છે.