Home / Gujarat / Panchmahal : Katrodi village youth sentenced to 20 years rigorous imprisonment in rape case

મહુવા: કાત્રોડી ગામના નરાધમને સગીરા પર દુષ્કર્મના કેસમાં 20 વર્ષ સખ્ત કેદની સજા

મહુવા: કાત્રોડી ગામના નરાધમને સગીરા પર દુષ્કર્મના કેસમાં 20 વર્ષ સખ્ત કેદની સજા

જેસર તાલુકાના કાત્રોડી ગામના શખ્સે પોણા ત્રણેક વર્ષ પૂર્વે એક સગીરાને ભગાડી જઈ તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતું. મહુવાની એફટીએસસી કોર્ટે શખ્સને ગુનેગાર ઠેરવી ૨૦ વર્ષ સખત કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો છે.

૨૦ વર્ષ સખત કેદની સજા અને રોકડ રકમનો દંડ 

પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કાત્રોડી ગામે રહેતો અજય વિનુભાઈ ચૌહાણ ત્રણ વર્ષ પહેલા સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો. અજયને જયદીપ નામના મિત્રે સગીરાને ભગાડી જવામાં મદદ કરી હતી. જયદીપ ઉર્ફે હદો હકુભાઈ પરમાર ખીમયાણી (ઉ.વ.૧૯, રહે, આકાશીપરા સંકુલની પાછળ, સાવરકુંડલા, જિ.અમરેલી). બન્ને નરાધમો સગીરાને ભગાડીને અવાવરૂં જગ્યા પર લઈ ગયા હતા, ત્યાં અજયે લાલચ આપીને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.

સગીરાને લલચાવીને આચર્યું હતું દુષ્કર્મ

દુષ્કર્મ મામલે અજય અને જયદીપની સામે જેસર પોલીસમાં આઈપીસી ૩૬૩, ૩૬૬, ૩૭૬ (૨) (જે) (એન), ૩૭૬ (૩), ૧૧૪ અને ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સ એક્ટની કલમ ૬, ૧૦, ૧૭, ૧૮ મુજબ ગુનો દાખલ થતાં પોલીસે બન્ને શખ્સની ધરપકડ કરી જરૂરી તપાસ બાદ કેસની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી હતી.

દરમિયાનમાં આ અંગેનો કેસ એફ.ટી.એસ.સી. (પોકસો) કોર્ટ-મહુવામાં ચાલી જતાં સરકારી વકીલ કમલેશભાઈ એચ. કેસરીની ધારદાર દલીલ, રજૂ થયેલા ૧૪ મૌખિક અને ૩૩ દસ્તાવેજી પુરાવાને ગ્રાહ્ય રાખી ન્યાયમૂર્તિ અતુલકુમાર એસ. પાટીલ (ચોથા એડીશનલ સેશન્સ જજ તથા જજ, એફટીએસસી (પોકસો) કોર્ટ-મહુવા)એ આરોપી અજય ચૌહાણને આઈપીસી ૭૧, જનરલ ક્લોઝીસ એક્ટની કલમ ૨૬ અને પોકસો એક્ટની કલમ ૪૨ સાથે વાંચતા આઈપીસી ૩૭૬ (૩)  મુજબના શિક્ષાપાત્ર ગુનામાં તકસીરવાન ઠેરવી ૨૦ વર્ષ સખત કેદની સજા, રૂા.૧૦,૦૦૦નો દંડ અને જો દંડ ન ભરે તો ત્રણ માસની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો. જ્યારે મદદગારી કરનાર જયદીપ ઉર્ફે હકો પરમાર ખીમયાણીને શંકાનો લાભ આપી છોડી મુકવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.