
Godhra news: પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી પૂનમ નિમિત્તે એસટી વિભાગે નોંધપાત્ર આવક મેળવી છે. વર્ષ-2025માં એસટી નિગમને રૂ. 1.50 કરોડની રેકોર્ડ આવક થઈ છે, જે ગત વર્ષની તુલનામાં 44.19 લાખ વધારે છે.
ગોધરા એસટી વિભાગે પાવાગઢથી માંચી સુધી વિશેષ બસ સેવા શરૂ કરી હતી. 15 દિવસ સુધી ચાલેલા આ મેળા દરમિયાન 50 બસોની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. કુલ 683 બસો દ્વારા 20,611 ટ્રિપનું સંચાલન કરવામાં આવ્યું હતું, જેનો 7.31 લાખથી વધુ મુસાફરોએ લાભ લીધો હતો.
વિભાગીય નિયામક મહેન્દ્ર કે. ડામોરના જણાવ્યા અનુસાર, 2024માં નિગમની આવક રૂ. 1.05 કરોડ હતી, જે 2025માં વધીને રૂ. 1.50 કરોડ થઈ છે. ચૈત્રી નવરાત્રિ દરમિયાન દેશભરમાંથી ભાવિકો મહાકાલી માતાજીના દર્શન માટે આવ્યા હતા. પાવાગઢ મંદિર સુધી પહોંચવા માટે માંચી સુધીની મુસાફરી માટે એસટી બસનો ઉપયોગ કર્યો હતો. એસટી વિભાગે નવરાત્રિ જેવા ધાર્મિક પ્રસંગોએ મુસાફરોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરી હતી. આ વર્ષે મળેલી વધુ આવક દર્શાવે છે કે ભાવિકોએ સરકારી પરિવહન સેવાનો વધુ ઉપયોગ કર્યો છે.