
Porbandar news: પોરબંદર સહિતના દરિયામાં છેલ્લા ત્રણથી ચાર દિવસથી ભારે કરન્ટ હોવાથી પવન ફુંકાઈ રહ્યો છે. જેથી તંત્રએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. જો કે, આવા તોફાની દરિયામાં 27 જૂન શુક્રવારે સાંજે પિલાણ સાથે પાંચ માછીમારો લાપતા બન્યા હતા. જેને લઈ તંત્ર અને માછીમારોના પરિવારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
હવામાન વિભાગે પણ દરિયામાં માછીમારી માટે ન જવા સૂચના આપી હતી. આ ઉપરાંત દરિયામાં ઉંચા મોજાં ઉછળી રહ્યા હતા.
મળતી માહિતી અનુસાર, પોરબંદર, ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા સહિતના દરિયામાં છેલ્લા ત્રણથી ચાર દિવસથી કરન્ટ જોવા મળી રહ્યો છે. દરિયો તોફાની બન્યો છે. જેના લીધે તંત્ર અને હવામાન વિભાગે દરિયામાં માછીમારી કરવા પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ બે દિવસ અગાઉ 27 જૂને શુક્રવારે સાંજે પિલાણ સાથે પાંચ માછીમારો લાપતા બન્યા હતા.
આ અંગેની જાણ તંત્રને થતા તંત્રએ એની રીતે તપાસ શરૂ કરી હતી. આ પાંચ માછીમારોના પરિવારમાં પણ ચિંતા થવા લાગી હતી. માછીમારો પરત ફરે તેવી આશામાં પરિવાર ચિંતિત બન્યું હતું. જો કે, આજે વહેલી સવારે તમામ માછીમારો બંદર પર સહી સલામત રીતે પરત ફર્યા હતા. હાલ દરિયામાં માછીમારી ઉપર પ્રતિબંધ હોવા છતાં દરિયામાં પરમિશન વગર ગયેલા માછીમારો વિરુદ્ધ આગળની કાર્યવાહી માટે મરિન પોલીસને જાણ કરવામાં આવી છે. જો કે માછીમારોના પરિવારમાં રાહત થઈ છે.