દેશભરના હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટના જેતપુરમાં પાતાળ હનુમાન મિત્ર મંડળ દ્વારા હનુમાન જયંતિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંદિરમાં આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મંદિર એક અનોખી રીતે પ્રકાશમાં આવ્યું કારણ કે દરેક હનુમાન મંદિરે હિન્દુ ધર્મના લોકો હનુમાન જયંતિ ઉજવતા હોય છે પરંતુ અહીં પાતાળ હનુમાન ગ્રુપમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકો ભેગા મળીને આ પ્રકારે ભવ્ય આયોજન કરીને કોમી એકતા અને ભાઇચારાનો અનોખો સંદેશો આપ્યો છે.
જેતપુરના નાજાવાળા પરા વિસ્તારમાં 30 વર્ષથી વધુના સમયથી પાતાળ હનુમાન મંદિર આવેલું છે. અહીં આજુબાજુમાં હિન્દુ અને મુસ્લિમ લોકો રહે છે. પરંતુ હનુમાનજી પર તમામની આસ્થા હોય તેથી અહીંના વિસ્તારના લોકોએ તેમજ મિત્રો દ્વારા એક ગ્રુપ બનાવવામાં આવ્યું છે જેમનું નામ પાતાળ હનુમાન ગ્રુપ રાખવામાં આવ્યું છે આ ગ્રુપમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો જોડાયેલા છે અને દર હનુમાન જયંતીએ ભવ્ય હનુમાન જયંતીની ભાઈચારાથી ઉજવણી કરવામાં આવે છે. હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતિની શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરી રહ્યા છે.
500થી 600 બાળકોના પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે
મિત્ર વર્તુળ દ્વારા આ ઉજવણી કરવામાં આવે છે અને તેમાં 500થી 600 બાળકોના પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. આ આયોજન માટે છેલ્લા 15 દિવસથી મંદિરના મિત્ર મંડળ દ્વારા મહેનત કરવામાં આવે છે અને હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરાય છે. આ ઉજવણી પણ વિશેષ રીતે અને શ્રધ્ધાપૂર્વક થાય છે જેમાં પણ બંને સમાજના લોકો સાથે જોડાય છે.
આ વિસ્તારમાં આવેલ પાતાળ હનુમાન ગ્રુપ દ્વારા છેલ્લા 30 વર્ષથી આ પરંપરા ચાલી આવે છે અને બધા સાથે મળીને હનુમાન જયંતી ઉજવવામાં આવે છે. જેમાં બાળકો માટે ગુંદી ગાંઠિયા, શિખંડ પુરી, સહિતનું ભોજન પીરસવામાં આવે છે, આરતી કરવામાં આવે છે. તમામ લોકો અહીં પ્રસાદ ગ્રહણ કરે છે. આખો દિવસ ઉજવણીની ભવ્યતા એક આકર્ષણનું કેન્દ્ર છે સાથે સાથે કોમી એકતાનું પણ ઉત્તમ ઉદાહરણ છે.