રાજકોટમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. રાજકોટના જેતપુરમાં પ્રદુષણ માફિયા બેફામ બન્યા છે. કેરાળી અને લુણાગરા ગામ પાસેથી પસાર થતી ભાદર નદી પ્રદુષિત બની છે. ભાદર નદીમાં પ્રદુષિત પાણીને કારણે કાશ્મીર જેવો નજારો જોવ મળ્યો છે. ભાદર નદીમાં ફીણના ગોટે ગોટા જોવા મળતા જાણે બરફની ચાદર ઢંકાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.
થોડો વરસાદ વરસતા જ ભાદર નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતું હોવાનો ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો છે. દર વર્ષે ચોમાસુ નજીક આવતા જ પ્રદુષિત પાણી ભાદર નદીમાં છોડવામાં આવે છે. અનેક વખત રજુઆત કરવા છતાં કોઈ કામગીરી થતી ન હોવાનો આક્ષેપ લગાવ્યો છે. ભાદર નદીમાં કાશ્મીર જેવો નજારો થતા આસપાસના ખેડૂતોના પાકને નુકશાન થવાની ભીતિ વર્તાઈ રહી છે. પ્રદુષિત પાણીથી જીવ સુષ્ટિને નુકશાન તથા ખેતીની જમીન બંજર બનતી હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે.
માલધારીઓના માલ ઢોરને પણ રોગ થવાની ભીતિ વર્તાઈ રહી છે. ભાદર નદી પ્રદુષિત થતી હોવાથી GPCB કોઈ કાર્યવાહી ન કરતી હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે. ભાદર નદીમાં પ્રદુષિત પાણી બંધ કરવામાં આવે તેવી આસપાસના ગામના ખેડૂતો અને લોકોની માંગ છે.