
Rajkot news: રાજકોટ શહેર સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર સમૂહ લગ્નમાં વર-કન્યાને અપાતા દાગીનમાં બનાવટી દાગીના પધરાવી છેતરપિંડી કરવાના કેસમાં શિવાજી સેનાના અધ્યક્ષ વિક્રમ સોરાણી અને ઉદ્યોગપતિ પિન્ટુ પટેલને બચાવવા પોલીસે પ્રયત્નો શરૂ કર્યા છે. અરજી પરતખેંચવા અને પોલીસને ફરિયાદ ન નોંધાવવા દબાણ થતું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, ગત 27 એપ્રિલે રાજકોટ શહેરમાં યોજાયેલા સમૂહ લગ્નમાં સોનાના કહીંને ખોટા દાગીના પધરાવી છેતરપિંડી થવા અંગે પોલીસ ગમે તે રીતે આરોપીઓને બચાવવા હવાતિયાં કરી રહી છે.રાજકોટ શહેરમાં આયોજિત સમૂહ લગ્નમાં કરિયાવરમાં આપેલા દાગીના ખોટા નીકળતા છેતરપિંડી થયાનું સામે આવ્યા બાદ આરોપીઓ ભૂગર્ભમાં જતા રહેતા ગત 10મેના રોજ પોલીસમાં સમગ્ર કેસની તપાસ થવાની અરજી આપવામાં આવી હતી. પરંતુ હજી સુધી આ કેસની કોઈ પ્રગતિ કે ધરપકડનો સીલસીલો ન થયો.
ઉપરાંત આ કેસમાં તપાસ કયારે થશે તેની કોઈ જાણકારી સામે ન આવી. આટલું ઓછું હોય તેમ ફરિયાદીને સમજાવવા અને અરજી પરત ખેંચાવવા ભાજપના નેતાઓના ધમપછાડા શરૂ થયા છે. પોલીસ ફરિયાદ ન નોંધવા પોલીસ પર દબાણ થતું હોવાનું પણ સામે આવ્યું છે.
શું હતો સમગ્ર મામલો
રાજકોટ શહેરના કુવાડવા વિસ્તારમાં શિવાજી સેનાએ ગત 27મી એપ્રિલના રોજ સમૂહ લગ્નનું આયોજન હાથ ધર્યું હતું. જેમાં આપવામાં આવેલા સોનાના દાગીનાના નામે ખોટા નીકળ્યા હતા. કચ્છ જિલ્લાના લખતરના એક પરિવારે ખોટા દાગીના પધરાવી દીધાની સમૂહ લગ્નના આયોજકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી સઘન તપાસ હાથ ધરી હતી.