
Jetpur news: રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં આવેલા ગોંડલ દરવાજા વિસ્તારની બે મહિલા સહિતના આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. મૃતક બુટલેગરે અગાઉ આરોપી ઉપર તલવારથી હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા શખ્સને જૂની અદાવતમાં બે દિવસ પહેલા માથાકૂટ થયેલ જેમાં તે સારવાર લઈને ચાલ્યો ગયેલ અને તેને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવેલી જ્યાં તેને સારવાર મળે તે પૂર્વે જ તેનું મોત નિપજ્યું હતું. પોલીસે આ બનાવમાં બે મહિલા સહિત છ શખ્સો સામે ફરિયાદ નોંધાઇ હતી તેઓને તમામને પકડી પાડી આગળની તજવીજ હાથ ધરી છે.
જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતો સાજીદ હાજીભાઈ શેખને તા.18ના રોજ ગોંડલ દરવાજા વિસ્તારમાં જૂની અદાવતમાં માથાકૂટ થયેલ હતી. જેમાં તેને હાથ પગ અને માથાના ભાગે ઈજા પહોંચી હતી. જેમાં તે ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સરકારી હોસ્પિટલ આવેલ હતો. જ્યાં મૃતકે પ્રાથમિક સારવાર લીધા બાદ પોલીસ તેનું નિવેદન નોંધવા આવે તે પૂર્વે તે હોસ્પિટલથી ચાલ્યો ગયો હતો. ત્યારબાદ ગત સવારે તે શહેરના ફૂલવાડી વિસ્તારમાં શેરી નંબર કે-4માં ઈજાગ્રસ્ત હાલતમાં બેસેલ હતો. ત્યારે સમીર નામનો યુવાન તેને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સરકારી હોસ્પીટલમાં લાવતા ત્યાં તેને સારવાર મળે તે પૂર્વે જ ડોકટર તેને મૃત જાહેર કર્યો હતો. બીજી બાજુ સિટી પોલીસે મૃતક સાજીદના પિતાની ફરિયાદ પરથી ગોંડલ દરવાજા વિસ્તારમાં રહેતા સુનિલ કટારીયા તેની પત્ની શર્મિલા, કરશનભાઈ કટારીયા તેમની પત્ની જયાબેન, મુકેશ કટારિયા અને ધવલ દેગડા વિરુદ્ધ પાંચ કરતા વધારે વ્યક્તિઓએ ગેરકાયદેસર મંડળી રચી હુમલો કરી મોત નિપજવાની બીએનએસ 103(2) હેઠળ ફરીયાદ નોંધાઈ હતી જે બાદ પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી આગળની તજવીજ હાથ ધરી હતી.
મૃતક સાજીદ વિરુદ્ધ પ્રોહિબીશન, મારામારી સહિતના અસંખ્ય ગુન્હાઓ પોલીસ ચોપડે નોંધાયેલ છે. જેમાં ફરિયાદમાં જેનું આરોપી તરીકે નામ છે તે સુનિલ કટારિયા ઉપર એક વર્ષ પહેલાં તલવાર વડે હુમલો કર્યાની પોલીસ ફરીયાદ નોંધાઈ હતી અને હજુ પાંચ મહિના પૂર્વે જ મૃતકની પાસા હેઠળ અટકાયત કરી હતી.