
રાજકોટ જિલ્લાના ગોંડલમાં રાજકુમાર જાટ નામના યુવકનું શંકાસ્પદ મોત થયું હતું.જેમાં યુવકના પિતાએ ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજા સામે હત્યાનો આરોપ લગાવ્યો હતો. જેમાં હવે પોસ્ટમોર્ટમનો ફોરેન્સિક રિપોર્ટ પણ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં અકસ્માત નહિ પરંતુ હત્યાનો ઉલ્લેખ કરાયો હતો.
જેથી મૃતક રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટે કહ્યું કે, હું શરૂઆતથી જ કહેતો હતો કે મારી અને મારા દીકરા સાથે મારપીટ થઈ છે. પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજાના ઘરના ગ્રાઉન્ડ ફલોર પર મારપીટ થઈ છે. એ અધૂરા સીસીટીવી આપવામાં આવ્યા છે. જેથી ફરી તેમને દીકરાની હત્યા થઈ હોવાનું જણાવ્યું હતું.
મૃતક યુવકના શરીર પર 42 ઈજાના નિશાન
પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં 42 જેટલાં ઈજાના નિશાન સામે આવ્યા છે. જેમાં યુવકના ગુદામાં 7 સે.મી ઊંડો અને 3 સે.મી જાડાઈનો ચીરો પણ સામે આવ્યો છે. યુવકના માથા અને ચહેરા પર પણ ગંભીર ઈજાઓ થઈ છે, તેની ખોપરી ફાટી ગઈ હતી અને તેમાં 39 સેમી લાંબી-ઊંડી ઈજા છે. આંખ, કાન, નાક, હોઠ અને ગાલ પર પણ ઈજા જોવા મળી છે. લોહી અને ઘાના નિશાન પણ એવા સામે આવ્યા છે, જે કોઈ બ્લન્ટ ઓબ્જેક્ટ (જેમ કે, લોખંડની પાઇપ, દંડો અથવા પથ્થર)થી હુમલો કર્યો હોય તેવા જોવા મળ્યા છે. છાતીની અંદર પણ 200 સીસી જેટલું લોહી એકઠું થયું હતું અને ફેફસાં તેમજ હ્રદય પર પણ ઘા હતાં, જે ગંભીર હુમલો થયાની શંકા દર્શાવે છે.
કેસ CBI ને સોંપવાની પિતાની માંગ
જોકે, આ સમગ્ર મામલે હવે રાજકોટની પોલીસ શંકાના ઘેરામાં આવી છે. કારણ કે, પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં આટલાં ખુલાસા બાદ પણ હજુ સુધી પોલીસ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવ્યા. હજુ સુધી પોલીસે હત્યાનો ગુનો પણ દાખલ નથી કર્યો. ત્યારે મોટો સવાલ થઈ રહ્યો છે કે, પોલીસ આ ઘટનામાં ગણેશ ગોંડલ જેવા મોટા માથાઓને કેમ છાવરી રહી છે? શું પોલીસ રાજકીય દબાણના કારણે ગોંડલમાં ગુંડારાજ સામે આંખ આડા કાન કરી રહી છે? પોલીસની નબળી કામગીરીના કારણે મૃતકના પિતાએ CBI તપાસની માંગ કરી છે. ત્યારે જો ગોંડલ પોલીસ યોગ્ય તપાસ નથી કરી રહી તો કેસ CBI ને કેમ સોંપવામાં નથી આવતો? ક્યાં સુધી રાજકોટમાં આવી ગુંડાગીરી ચાલશે અને હત્યાને અકસ્માતમાં ફેરવીને ઢાંકી દેવામાં આવશે?
શું હતી ઘટના?
ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા અને પાઉંભાજીનો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટે આક્ષેપ કર્યા હતા કે, 'ગત બીજી માર્ચે હું અને મારો પુત્ર રાજકુમાર સાથે ઘરે જવા બાબતે મોટે-મોટેથી બોલતા-બોલતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા સામેથી પસાર થયા હતા. ત્યારે અટકાવીને પુત્ર ગણેશ જાડેજા તથા 7-10 માણસોએ માર માર્યો હતો. બાદમાં અમે બન્ને ઘરે જતાં રહ્યા હતા. જો કે બાદમાં ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમાર એ જ દિવસે રાત્રે ફરી પૂર્વ ધારાસભ્યના બંગલે ફરિયાદ કરવા ગયા હતા, પરંતુ તે બાદ તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. આ બાબતે સ્થાનિક ગોંડલ પોલીસને જાણ કરાઈ હતી. ત્યાર બાદ રાજકોટ એસ.પી.ને લેખિત ફરિયાદ અરજી આપી હતી, તે પછી ગોંડલ પોલીસે તપાસ શરૂ કરી હતી.'
આ દરમિયાન પોલીસને ત્રણ માર્ચના દિવસે મધ્યરાત્રિએ 3 વાગ્યે કૂવાડવા નજીક વાહન અડફેટે ઈજા પામ્યા બાદ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાન અને ગોંડલના લાપત્તા યુવાન વચ્ચે સામ્યતા જણાતા એ દિશામાં તપાસ શરૂ કરી હતી. જે પછી મૃત્યુ પામનાર યુવક રાજકુમાર હોવાનો સામે આવતા કેસમાં નવો વળાંક આવ્યો હતો.