
Surat Crime: ગુજરાતના સુરતમાં પરિણિતાના આપઘાતના સમાચાર સામે આવ્યા છે. સુરતના ખટોદરામાં 24 વર્ષની પરિણિતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું છે. પરિણિતાના પરિવારનો આરોપ છે કે, સાસરિયા જાતિવાચક શબ્દો ઉચ્ચારી ત્રાસ આપતા હતાં. જેનાથી કંટાળી પરિણિતાએ આપઘાત કરી લીધાનું સામે આવ્યું છે.
બે વર્ષ પહેલાં કર્યા હતા પ્રેમલગ્ન
મળતી માહિતી મુજબ, સુરતના ખટોદરાના અંબાનગરમાં 24 વર્ષની પરિણિતાએ રવિવારે (23 માર્ચ) ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવી દીધું છે. રીના નામની યુવતીએ ધવન ઝરીવાલા નામના એડવોકેટ સાથે પ્રેમલગ્ન કર્યા હતાં. જોકે, યુવતી દલિત સમાજમાંથી આવતી હોવાના કારણે સાસરિયા સતત જાતિવાચક શબ્દો દ્વારા તેના પર ત્રાસ ગુજારતા હતાં. જેનાથી કંટાળી તેણે આપઘાત કર્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પરિણીતાના આપઘાતના લગભગ 5 કલાક બાદ તેના પતિએ રીનાના પરિવારને જાણ કરી હતી. નોંધનીય છે કે, મૃતક રીનાના પિતા દ્વારા આ વિશે હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જાતિવાચક શબ્દો સાથે માનસિક ત્રાસ આપવામાં આવતો
મૃતક પરિણીતાના પિતાએ આ વિશે માહિતી આપતા જણાવ્યું કે, મારી દીકરીના લગ્નનના દોઢ વર્ષમાં તેના સાસરિયાઓએ તેનું બાળક પણ પડાવી દીધું હતું. તેના સાસરિયામાંથી તેના પતિની મા, તેના બે ફોઈ, તેના કાકા, તેના પપ્પા, તેનો નાનો ભાઈ બધાં જાતિવાચક શબ્દો બોલીને ટોર્ચર કરતાં અને કહેતાં કે, અમારૂં નાક ડૂબાડી દીધું છે. મારી દીકરી ખૂબ હિંમતવાન છે, તે આત્મહત્યા ન કરે... આ લોકોએ મારી નાંખી કે શું... એ તો ઈશ્વર જાણે.
પોલીસે હાથ ધરી તપાસ
સમગ્ર ઘટનાની જાણ થતાં ખટોદરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ મૃતક પરિણીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. આ અંગે પોલીસે પરિણીતાના માતા-પિતાનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.