
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો સામે પોલીસ વડાના આદેશ બાદ કાર્યવાહી પૂરજોશમાં છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરના કુખ્યાત બુટલેગર નટવર ઠાકોર ઉર્ફે ચકાજી ઠાકોરનું પોલીસે સરઘસ કાઢયું હતું.
બનાસકાંઠામાં બુટેલગર તેમજ અન્ય ગુંડાતત્વો સામે કાર્યવાહી અત્યારે તેજ છે. પાલનપુર, ડીસા શહેર સિવાય અન્ય શહેરોમાં પણ પગલાં લેવાઈ રહ્યા છે. ડીસા શહેરમાં મારામારી, ધાક-ધમકી, દારૂ સહિતના કેસના કુખ્યાત આરોપી નટવર ઠાકોર ઉર્ફે ચકાજી ઠાકોરનું જાહેરમાં આજે પોલીસે સરઘસ કાઢયું હતું. પોલીસે અગાઉ નટવર ઠાકોર ઉર્ફે ચકાજી ઠાકોરના ઓફિસમાંથી ઘાતકી હથિયારો પણ જપ્ત કર્યા હતા. આમ, પોલીસે કુખ્યાત બુટલેગર નટવર ઠાકોર સામે કરેલી કાર્યવાહી બદલ ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ ડીજીપી અને રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીના નિર્ણયને આવકાર્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં કુખ્યાત અને અસામાજિક તત્વો સામે કાર્યવાહી અંગે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ નિવેદન આપ્યું હતું. તેમને જણાવ્યું કે, જિલ્લા પોલીસવડા ગુંડા તત્વો પરની કાર્યવાહી ઉત્તમ છે, જો કોઈપણ તમને ડરાવે તો નજીકના પોલીસ સ્ટેશન ફરિયાદ કરો, પોલીસ તમને હંમેશા મદદ કરશે જો કોઈ ન સાંભળે તો મારો સંપર્ક કરો.