
રાજકોટ તાલુકાના ચકચારી યુવતીના આપઘાત કેસમાં એક નવો ખુલાસો સામે આવ્યો છે. જેમાં યુવતીએ ઝેરી દવા પી આપઘાત કરવાના મુદ્દે ડીસીઝી ઝોન-2એ નિવેદન આપ્યું હતું કે, યુવતી છેલ્લા એક વર્ષથી ભુવા સાથે રહેતી હતી. કેતન સાગઠિયા નામના ભુવાએ વશીકરણ કર્યું હોવાનો યુવતીનો માતાએ આક્ષેપ મૂક્યો હતો.
યુવતી દ્વારા ઝેર પીને આપઘાત કરવાના કેસમાં કેટલીક વિગતો બહાર આવી હતી. જેમાં મૃતક યુવતી તાંત્રિક વિધિના બહાને ભુવા અને યુવતી સંપર્કમાં આવ્યા હતા. તેમજ યુવતીના ઘરે ભુવા દાણા જોવા તાંત્રિક વિધિ માટે જતા હતા. ઉપરાંત ભુવો કેતન સાગઠિયા દીકરીને અવારનવાર માર મારી હેરાન પરેશાન કરતો હોવાનો ખુલાસો સામે આવ્યો હતો. આટલું ઓછું હોય તેમ મૃતક યુવતીનું કેતન ભુવાએ વશીકરણ કર્યું હોવાનો દીકરીની માતાએ આક્ષેપ કર્યો હતો. જેના લીધે ભુવાના ત્રાસથી દીકરીએ ગત 13 માર્ચે ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવ્યું હતું. યુવતીના આપઘાતને પગલે બીએનએસની કલમ-108 હેઠળ આરોપી ભુવા કેતન સાગઠિયા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અગાઉ પણ ભુવા કેતન સાગઠિયા વિરુદ્ધ અગાઉ ગેંગરેપ સહિતના બે ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું પણ સામે આવ્યું છે.