
Rajkot news: ઓમિક્રોનના સબ વેરિયેન્ટથી કોરોનાનું સૌરાષ્ટ્રમાં હવે સ્થાનિક સંક્રમણ શરુ થયું છે એટલે કે બહારગામ ન ગયા હોય તેઓમાં સ્થાનિકેથી જ ચેપ પ્રસરવા લાગ્યો છે. રાજકોટમાં આજે વધુ 8 સહિત કૂલ ૩૨ પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે જામનગરમાં આજે વધુ 2 સહિત 18 કેસો જાહેર થયા છે. જો કે કોઈ દર્દીની હાલત ગંભીર જણાયેલ નથી. ટેસ્ટની સંખ્યા વધવા સાથે આ આંકડો વધવાની શક્યતા છે.
રાજકોટમાં 8માંથી 5 કેસ તો એક જ વોર્ડ નં.8ના નોંધાયા હતા. સૂત્રો અનુસાર આજે (1) ખુદીરામ ટાઉનશીપમાં 50 વર્ષની મહિલા (2) દામજી મેપા શેરીમાં 55 વર્ષીય મહિલા (3) તક્ષશીલા સોસાયટી વોર્ડ નં.2માં 76 વર્ષના વૃધ્ધ તથા વોર્ડ નં.8માં (4) સુરજ પાર્કમાં 26 વર્ષની યુવતી (5) જય રેસીડેન્સીમાં 27 વર્ષીય યુવાન (6) જીવરાજ પાર્કમાં 51 વર્ષના પ્રૌઢ (7) અંબિકાપાર્કમાં 70 વર્ષના વૃધ્ધ અને (8) વિદ્યાકુંજ સોસાયટીમાં 51 વર્ષની મહિલાના ટેસ્ટ થતા કોરોના પોઝીટીવ આવતા હોમ આઈસોલેટ કરાયા છે. આ તમામ દર્દીઓએ વેક્સિન લીધેલી હતી અને કોઈની ટ્રાવેલ હિસ્ટરી નથી.
જામનગરમાં આજે પંચવટી સર્કલ પાસે 26 વર્ષીય યુવતી તેમજ કૃષ્ણનગરમાં 42 વર્ષની મહિલાને કોરોના પોઝીટીવ આવેલ છે. કુલ 18 કેસો નોંધાયા તેમાં 2 ડિસ્ચાર્જ થયેલ છે અને બાકીના હોમ આઈસોલેશનમાં છે.
ઉલ્લેખનીય છે કે હાલ વાયરસના જે પ્રકારથી કોરોના પ્રસરી રહેલ છે તે વેરિયેન્ટ વધુ સંક્રામક એટલે કે વેક્સીન લીધી હોય તો પણ ઝડપથી ચેપ પ્રસરે તેવો છે પરંતુ, આ વાયરસથી શરદી,ઉધરસ,સ્નાયુનો-ગળામાં દુખાવો જેવા સામાન્ય લક્ષણો જોવા મળે છે છતાં તબીબો ખાસ કરીને વયોવૃધ્ધ વ્યક્તિઓ, અન્ય ગંભીર બિમારી ધરાવનારા લોકોને વધુ સાવચેતી રાખવા અપીલ કરાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૨૬૫ કેસો ડિટેક્ટ થયા છે અને એકનું મૃત્યુ નોંધાયું છે.