
Rajkot news: રાજકોટ શહેરની જાણીતી અને મોટી ખાનગી બેંક એવી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેંકના લોકરમાં મૂકેલા એક કરોડથી વધુ કિંમતનું સવા કિલો સોનું ચોરી થવાનો કેસ પોલીસે ઉકેલી નાંખ્યો છે. આ ચોરીમાં પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે. જેમાં બેંક કર્મચારી જ ચોર નીકળ્યો હોવાનો ખુલાસો થયો છે. બેંકના લોકર ગાર્ડ અશોક કોટકે ચોરી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પ્રાપ્ત મળતી વિગતો અનુસાર, રાજકોટ શહેરમાં આવેલી રાજકોટ ડ્રિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેંકમાં લોકર માલિકે પોતાના લોકરમાં મૂકેલું સવા કિલો સોનું ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસનો તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. પોલીસની સઘન તપાસ અને પૂછપરછ બાદ બેંકના કર્મચારી એવા લોકર ગાર્ડ અશોક કોટકે લોકરમાં મૂકેલું સવા કિલો સોનું ઓળવી ગયાની કબૂલાત કરી હતી. લોકર માલિક દ્વારા ભૂલથી લોકરમાં લોક લાગ્યો નહોતો,જે લોકર ગાર્ડ અશોક કોટકના ધ્યાનમાં આવતા ચોરી કરી લીધી હતી. આરોપી અશોક કોટકના માથે દેવું ચઢી ગયું હોવાથી ચોરી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સવા કિલો સોનું,ત્રણ કિલો ચાંદી મળીને સવા કરોડ જેટલા સોના-ચાંદીની ચોરી કરી હતી. જેથી ક્રાઈમ બ્રાંચે આરોપીને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.