
રાજકોટમાં પશ્ચિમ બંગાળના બાળકો પાસે કરવામાં આવનાર બાળ મજૂરીનો મામલે હવે પશ્ચિમ બંગાળ પોલીસે રાજકોટમાં ધામા નાખ્યા છે. ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ દ્વારા ટ્વિટ કરાયા બાદ પશ્ચિમ બંગાળ પોલીસ એકશન મોડમાં આવી છે. બાળ મજૂરી મામલે તપાસ અર્થે પશ્ચિમ બંગાળ પોલીસ રાજકોટ આવી પહોંચી છે. 4 જૂન 2025ના રોજ તૃણમૂલ કોંગ્રેસ દ્વારા બાળમજૂરીને લઈ ટ્વીટ કરવામાં આવ્યું હતું.
ટ્વીટમાં બાળ મજૂરોને લોખંડનો રોડ મારીને તેમની પાસેથી બળજબરી પૂર્વક કામકાજ લેવામાં આવતું હોવાનું જણાવ્યું હતું. બાળકના પીઠના ભાગે મારના નિશાન પણ હોવાનું સામે આવ્યું છે. ટ્વીટમાં મૌલા નામના શખ્સ દ્વારા બાળમજૂરી કરવામાં આવતી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
તૃણમુલ કોંગ્રેસના ટ્વીટ બાદ ગણતરીના કલાકોમાં રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પશ્ચિમ બંગાળના 19 જેટલા બાળમજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા છે. રાજકોટ શહેર પોલીસની તપાસમાં મૌલા છેલ્લા ચાર પાંચ વર્ષથી બાળમજૂરી કરાવતો હોવાનું ખુલ્યું છે.