
Sabarkantha news: સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 15 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી છે ત્યારે ખેડબ્રહ્યા પંથકમાં પણ ઘણા સમયથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે. આ દરમ્યાન રતનપુર ગામમાં વરસાદને લીધે એક કાચા મકાનની દીવાલ પડી જતા ત્રણ બાળકો દટાયા હતા. જેમાં બે બાળકોનાં મોત થયા છે, અન્ય એક બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું છે. બે બાળકોનાં મોતને પગલે પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થયું છે. બાળકોનાં મોતથી આખા ગામમાં પણ શોક છવાયેલો છે.
મળતી માહિતી અનુસાર, સાબરકાંઠામાં છેલ્લા પખવાડિયાથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ખેડબ્રહ્મા તાલુકાના રતનપુર ગામમાં આ વરસાદ એક પરિવાર માટે દુશ્મન સાબિત થયો છે. ખેડબ્રહ્મા સહિતના પંથકમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે વરસાદી ભેજને લીધે રતનપુર ગામમાં એક કાચા મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી. જેના લીધે કુલ ત્રણ બાળકો દીવાલના કાટમાળમાં દટા હતા. જો કે, તેમાંથી બે બાળકોનાં કરૂણ મોત થયા હતા. જ્યારે એક બાળકને ગંભીર ઈજાઓ થતા ઘાયલ થયું હતું. જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. મૃતક બાળકો પૈકી એક 7 અને 4 વર્ષનાં બાળકનાં મોતથી આખા ગામમાં અરેરાટી ફેલાઈ છે. બાળકોનાં મોતથી બાળકનાં પરિવારમાં શોકનો માહોલ છે. આ અંગેની જાણ પોલીસને થતા કાર્યવાહી હાથ ધરી હતી.