
Sabarkantha news: સામાન્ય રીતે સરકારી શાળાના વિદ્યાર્થીઓ કોઈ ક્ષેત્રમાં આગળ વધતા ન હોવાનું લોકો માનતા હોય છે. જોકે આ માન્યતાને ખોટી પાડતા હિંમતનગરના એક બાળકે ઈન્ટરનેશનલ કક્ષાએ ગુજરાત અને ભારત સહિત પોતાની સરકારી શાળાનો ડંકો વગાડી પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.
મળતી માહિતી અનુસાર, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાની ગામડી પ્રાથમિક શાળામાં ધોરણ ચારમાં અભ્યાસપૂર્ણ કરી પાંચમા આવેલો શૌર્યવીર સિંહ. આ બાળકે દુબઈ ખાતે યોજાયેલી મેથેલો જિનીયસ પરીક્ષામાં પાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તુર્કી સહિતના 17 દેશોના બાળકોને હરાવીને ભારતનો ડંકો દુબઈમાં વગાડી પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. ગણિતના દાખલા ગણવાની સ્પર્ધામાં 150 દાખલા તેણે સાડા પાંચ મિનિટમાં પૂર્ણ કરી પ્રથમ ઇનામ પોતાના અને પોતાના દેશના નામે કર્યું છે.
ગામડી પ્રાથમિક શાળામાં પોતાની માતા સાથે ભણતા શોર્યવીરસિંહ રાણાને ગણિતમાં વધુ રસ હતો માટે તેને હિંમતનગર ખાતે એક ક્લાસિસમાં પણ મૂકવામાં આવ્યો હતો. જેમાં માત્ર એક વર્ષમાં તેણે નાગપુર ખાતે નેશનલ, વિસનગર ખાતે ઝોનલ અને સૌથી કઠિન ગણાતી લિમ્કા અબાકસ મેથેલો જિનીયસ સ્પર્ધા જે દુબઈ ખાતે યોજાઇ હતી, તેમાં સેકન્ડ લેવલમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. એક તબક્કે ત્યાં આવેલા 500થી વધુ બાળકોને જોઈને તેના માતા અને પિતા હિંમત હાર્યા હતા. પરંતુ આ બાળકે તે તમામ બાળકોને હરાવીને પ્રથમ ક્રમાંક મેળવતા તેના માતા પિતા સાથે તેમના મિત્રો પણ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે.
ખાનગી શાળાઓ ભલે બહાર ઝાકમઝાળ કરતી હોય. પરંતુ ખરું શિક્ષણ ગામડી પ્રાથમિક શાળા જેવી સરકારી શાળાઓમાં મળી રહે છે. અને આ વાત શૌર્યવીર રાણાએ દુબઈ જઈને સાબિત કરી આપી છે.