
સાબરકાંઠા: હિંમતનગર સિવિલ હોસ્પિટલ ક્વાર્ટરમાં બે મહિલાઓના મોત મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. હિંમતનગરમાં 17 ઓક્ટોબરે સિવિલ હોસ્પિટલ ક્વાર્ટરમાં બે મહિલાઓ મૃતદેહ મળ્યા હતા. જે મામલે હવે એક મહિલાએ બીજી મહિલાની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. પ્રાથમિક તપાસમાં મૃતક ડિમ્પલબેન પટેલનું ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું છે. મૃતક ડિમ્પલબેનના પિતાએ મૃતક છાયાબેન સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે.
જયારે પીએમ રિપોર્ટમાં મૃતક ડિમ્પલબેનનું ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું અને બીજી મૃતક મહિલા છાયાબેનને મલ્ટીપલ ઇજાઓ થઇ હોવાનો ખુલાસો થયો છે.
મૃતક ડિમ્પલબેન પટેલના પતિ ભાવેશભાઈ પટેલને મૃતક સ્ટાફ નર્સ છાયાબેન સાથે આડા સંબંધ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મૃતક બંને મહિલાઓના પતિ પોલીસના રડાર પર છે.
શું હતી સમગ્ર ઘટના?
17 ઓક્ટોબરે સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટરમાંથી બે મહિલાના મૃતદેહો મળ્યા હતા. બંનેના મૃત્યુ શંકાસ્પદ હાલતમાં થયાની માહિતી સામે આવી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં દાવો કરાયો હતો કે સિવિલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા છાયાબેનએ 10મા માળેથી ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હતું. જ્યારે અન્ય એક મહિલા ડિમ્પલબેન પટેલનો મૃતદેહ ચોથા માળેથી મળી આવ્યો હતો.
સ્ટાફ ક્વાટર્સના ચોથા માળેથી મળેલ મૃતદેહ ડિમ્પલબેન પટેલનો હતો જે ઇડરના રુવજ ગામના રેહવાસી છે. મૃતક મહિલા ડિમ્પલબેન પટેલના પતિ ભાવેશ પટેલ પણ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ બ્રધર તરીકે ફરજ બજાવે છે.
બંને મહિલાઓ એક જ ફ્લોર પર રહેતી હતી
પ્રાથમિક માહિતી અનુસાર આ બંને મહિલાઓ સ્ટાફ ક્વાર્ટર્સના બી 1 બ્લૉકના ચોથા માળે સામ સામે રહેતી હતી. મૃતક સ્ટાફ નર્સ છાયા કલાસવા અને મૃતક ડિમ્પલબેન પટેલના મોટ પાછળનું કારણ આત્મહત્યા છે કે હત્યાએ હજુ અકબંધ છે. પોલીસ સમગ્ર મામલે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.