ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. રાજ્યમાં ચોમાસું શરુ થતાંની સાથે જ મેઘ મહેર જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લાને આજે વહેલી સવારથી મેઘરાજાએ બાનમાં લીધો હોય તેવો સાંબેલાધાર વરસાદ પડ્યો છે. પાલનપુર ગઠામણ પાટિયા પાસે હાઈવે બેટમાં ફેરવાયો છે. પાલનપુરમાં 6 ઈંચ વરસાદમાં આખો વિસ્તાર પાણી પાણી થઈ ગયો છે. જનજીવન પ્રભાવિત થયું છે. અમદાવાદ પાલનપુર હાઈવે બેટમાં ફેરવાતા ડાયવર્ઝન અપાયું છે. એસબીપુરા પાટીયાથી પાલનપુર શહેરમાં પ્રવેશવા ડાયવર્ઝન અપાયું છે. પાલિકાની ટીમ સાથે ધારાસભ્ય પણ અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી પરિસ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.
બીજી તરફ હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે તંત્ર દ્વારા શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. બુધવારે (2 જુલાઇ) મેઘરાજા બનાસકાંઠા પર મહેરબાન થયા હતા અને બનાસકાંઠાને જળબંબકાર કરી દીધું હતું. ભારે વરસાદના પગલે ઠેર ઠેર રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.
ઘરમાં પાણી ફરી વળતાં પારાવાર નુકસાન
વડગામમાં 8 ઇંચ અને પાલનપુરમાં 6 ઈંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. પાલનપુરના ડોક્ટર હાઉસની પાછળના ભાગમાં તથા મફતપુરામાં લોકોના ઘર અને દુકાનોમાં પાણી વળતાં ઘરવખરી સહિતનો સામાન પલળી જતાં પારાવાર નુકસાન થયું છે. ઘરમાં પાણી ઘૂસી જતાં વૃદ્ધો અને બાળકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. અવિરત વરસાદના કરાણે જનજીવન ઠપ્પ થઇ ગયું છે.
આજે વહેલી સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં બનાસકાંઠાના ધાનેરામાં 3.86 ઇંચ, વડગામમાં 1.97 ઇંચ, ડીસામાં 1.89 ઇંચ, દાંતીવાડામાં 0.83 અને પાલનપુરમાં 0.79 ઇંચ વરસાદ ખાબક્યો છે. હજુ પણ બનાસકાંઠાના કેટલાક તાલુકાઓમાં વરસાદ ખાબકી રહ્યો છે.
બનાસકાંઠાની શાળાઓમાં રજા જાહેર
વર્તમાન ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને, આજે 3 જુલાઈ 2025, ગુરુવારના રોજ પાલનપુર, દાંતીવાડા, વડગામ, ધાનેરા તેમજ ડીસા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.