Sabarkantha News: સાબરકાંઠામાં વીજ કંપનીની ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. જેમાં મોડી રાત્રે વીજળી કપાઈ જતાં સ્થાનિકો દ્વારા વીજ કંપનીમાં ફોન લગાવવામાં આવતાં ફોન સતત વ્યસ્ત આવતો હતો. આખરે સ્થાનિકોએ કચેરી પહોંચતા તપાસ કરતાં સમગ્ર મામલાનો ઘટસ્ફોટ થયો હતો.
સાબરકાંઠા જિલ્લામાં ઉત્તર ગુજરાત વીજ કંપનીના બેજવાબદાર કર્મચારીઓની લાલિયાવાડી સામે આવી છે. હિંમતનગરના ભોલેશ્વર વિસ્તારમાં મોડી રાત્રે વીજળી ગુલ થઈ હતી. ત્રણ કલાક સુધી લાઇટ ન આવતા કર્મચારીઓએ ફરિયાદ કરવા માટેના લેન્ડલાઈન પર ફોન લગાવ્યા હતા. ફોન સતત વ્યસ્ત આવતો હોવાથી કર્મચારીઓ કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં કચેરીમાં કર્મચારીએ ફોનનું રીસીવર બાજુ પર મૂકી દીધું હતું તેમજ ફરજ કર્મચારી આરામથી મોબાઇલ પર વાતો કરતો હતો. લોકોએ રીસીવર બાજુ પર મુકવાનું કારણ પૂછતા કર્મચારીએ પોલીસ ફરિયાદની ધમકીઓ આપી હતી.