
સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં ચકચારી ખ્રિસ્તી ધર્માંતરણ કેસમાં વડાલીની કોર્ટે બે આરોપીઓને 5 દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યા છે. વડાલી પંથકમાં ખ્રિસ્તી ધર્મના પ્રસાર કરતા બે શખ્સો વિરુદ્ધ ધર્મ પરિવર્તન સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.
છેલ્લા ઘણા સમયથી સાબરકાંઠાના વડાલી પંથક અને આસપાસમાં ખ્રિસ્તી ધર્માંતરણનો મુદ્દો ઉઠયો હતો. જેમાં રતિલાલ પરમાર અને ભંવર પારગી નામના બે શખ્સો વિરુદ્ધ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ અન્ય હિંદુ સંગઠનો દ્વારા ધર્માંતરણને લઈ વિરોધ કરી બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓ હિંદુ ધર્મના વ્યકિતઓના સંપર્કમાં આવી ધર્મ પરિવર્તન માટે પ્રેરિત કરતા હોવાનો આરોપ મૂક્યો હતો. જેથી વડાલી પોલીસે આરોપીઓને ઝડપી લઈને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ માગ્યા હતા. જો કે, વડાલી સિવિલ કોર્ટે બે આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. વડાલીની સિવિલ કોર્ટે બંને આરોપીઓના તારીખ 24/03/2025 બપોર ત્રણ વાગ્યાં સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. જેથી પોલીસ રિમાન્ડ દરમિયાન વિવિધ દિશામાં આરોપીઓની પૂછપરછ કરી શકશે.