
રાજકોટ જિલ્લાના ગોંડલમાં ખાખીનો ખોફ ઓછો થયો હોવાનું સામે આવ્યું છે. કારણ કે, ગોંડલમાં કૉલેજ ચોક ગ્રાઉન્ડ પાસે એક 17 વર્ષીય યુવક પર ત્રણ લોકોએ ધોકાથી માર માર્યો હતો. દીકરાને છોડાવવા ગયેલા માતા-પિતાને પણ માર મરાયો હતો. યુવકને હોસ્પિટલ ખસેડાયો હતો. ત્યારબાદ ત્રણ આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી.
ગોંડલ શહેરના ભગવતીપરામાં કૉલેજ ચોક ગ્રાઉન્ડ પાસે નજીવા મુદ્દે માથાકૂટ થતા જાહેરમાં ત્રણ લોકોએ ધોકાથી એક 17 વર્ષીય યુવક પર હિચકારો હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવકને ઈજાઓ થઈ હતી. માર ખાઈ રહેલા દીકરાને છોડાવવા વચ્ચે પડેલા માતા-પિતાને પણ આ શખ્સોએ માર માર્યો હતો. નજીવા મુદ્દે માથાકૂટને લીધે જાહેરમાં મારામારીના વીડિયો પણ સામે આવ્યો છે. ઈજાગ્રસ્ત યુવકને તાબડતોબ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. જે બાદ ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદીએ ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદીની ફરિયાદ પરથી મયુર સોલંકી, દર્શન તેમજ અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો હતો.